Operation Kaveri:  ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓને વતન પરત લાવવામાં આવ્યા છે. ગત મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આ તમામ લોકો પહોંચ્યા હતા. સુદાનમાંથી પરત ફરેલા લોકોએ ત્યાં સર્જાયેલી ગંભીર સ્થિતીને વર્ણવી હતી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કરેલી વ્યવસ્થાને વખાણી અને સરકારનો આભાર માન્યો હતો.


રાજકોટ પહોંચેલા રૂપેશ ગાંધીએ આપવિતી વર્ણવી  તેમણે કહ્યું કે, સુદાનમાં અરાજકતાનો માહોલ છે.  ઓપરેશન કાવેરી હેઠળ ભારતીયો પરત આવવા લાગ્યા છે. ડો.રૂપેશ ગાંધી પરીવાર સાથે સુદાનથી પરત આવ્યા છે. તેઓ રાજકોટના ઉપલેટાના રહેવાસી છે. ઉપલેટના ડો રૂપેશ ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, 12 દિવસ ત્યાં ખૂબ જ યાતનામય અને મુશ્કેલી અને ભયમાં કાઢ્યા છે. પહેલા તો ફાયરિંગને ફટાકડા ફૂટે તેવું બે દિવસ લાગ્યુ હતું પછી સ્થિતિ કઈ જુદી જ જોવા મળી.


ડો રૂપેશ ગાંધીના પત્નીએ કહ્યું કે, આ દિવસો કેમ પસાર કર્યા તે વર્ણવી શકાય તેમ નથી. જોકે આ પરીવારે ઓપરેશન કાવેરી ચલાવવા પર પીએમ મોદીનો આભાર માન્યો.નોંધનીય છે કે, આ પરીવારનો પુત્ર આત્મીય કોલેજમાં અભ્યાસ કરતો હોવાથી આ પરીવાર સુદાનથી સીધા આત્મીય યુનિવર્સીટી આવી અને તુરત પોતાના પુત્રને મળી ઉપલેટા જવા રવાના થયા હતા.


ન્યૂઝીલેન્ડમાં યુવતીની છેડતી મામલે અમુલના ડિરેક્ટરે કર્યો મોટો ખુલાસો


આણંદ: થોડા દિવસ અગાઉ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું ડેલિકેશન ન્યૂઝીલેન્ડ ગયું હતું. જ્યાં એક યુવતીની છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ થઈ હતી. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના બે ડિરેક્ટર પર ન્યૂઝીલેન્ડમાં ફરિયાદ થઈ હોવાની વાત સામે આવી હતી. આ સમગ્ર ઘટનામાં અમુલ ડેરીનું નામ બદનામ થયું હતું. વિશ્વવિખ્યાત અમૂલ ડેરીનું નામ બદનામ થતાની સાથે અમુલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે આ અંગે સ્પષ્ટતા કરી છે.


વિપુલ પટેલે કહ્યું કે, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અમૂલના કોઈપણ ડિરેક્ટર ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયા નથી આ સંપૂર્ણ બાબતે અમુલનું નામ ખરાબ થઈ રહ્યું છે. અમુલ બ્રાન્ડના નામે 18 જેટલા સંઘો દૂધનું વેચાણ કરે છે. આવી બદનામીના કારણે આ 18 સંઘો પાસેથી અમુલે પોતાનું નામ પાછું લેવાની ચીમકી આપી છે. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સ્થાપિત Amul ડેરીને અન્ય ડેરી સંઘો વચ્ચે સ્પર્ધાના સર્જાય તે માટે અમુલનું નામ આપવામાં આવ્યું હતું. ન્યૂઝીલેન્ડમાં બનેલી ઘટનાના કારણે વિશ્વવિખ્યાત સહકારીતાનું માળખું વિખેરાય તેવી વકી છે.