Mobri Bridge Collapse Update: મોરબી ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના કેસમાં બે આરોપીએને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે આરોપીઓની જામીન અરજી મંજૂરી કરી છે. કોર્ટે આરોપીઓની નિયમિત જામીન મંજૂર કર્યા છે. ટિકિટ વિતરણ અને કલેક્શનના કામમાં જોડાયેલા બે આરોપીઓના નિયમિત જામીન મંજૂર કરવામાં આવ્યા છે. બંને આરોપીઓ પર લાગેલ સદોષ માનવ વધની કલમ પ્રાથમિક રીતે ખોટી હોવાનું કોર્ટનું મૌખિક અવલોકન હતું. જોકે હુકમમાં આ મુદ્દે કોર્ટે કોઈ નોંધ ના કરી, એ અંગેનો નિર્ણય ટ્રાયલ કોર્ટ અથવા અન્ય સક્ષમ અદાલતના કાર્યક્ષેત્રનો વિષય હોવાથી હાલ આ મુદ્દે કોર્ટે કોઈ અવલોકન કર્યું નથી.


આ મામલે મૃતકોના પરિવારજનો તરફથી અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. પરિજનોનો આરોપ હતો કે, ટિકિટોનું બ્લેક માર્કેટિંગ કરાયું હતું જેના કારણે પુલ ઉપર ભીડ વધી હતી.


આ પૂર્વે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના 88 દિવસ બાદ ઓરેવા ગ્રુપના MD જયસુખ પર કાયદાનો સકંજો કસાયો હતો. 135 લોકોનો ભોગ લેનાર મોરબી પુલ દુર્ઘટનાના કેસમાં જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું હતું. જે પછી મોરબી પોલીસે સેશન્સ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા.


જયસુખ પટેલના પિતા અને ભારતના “દીવાલ ઘડિયાળના પિતા” ગણાતા ઓધવજી પટેલે વર્ષ 1971માં 1 લાખ રૂપિયામાં ત્રણ ભાગીદારો સાથે મળીને ‘ઓરેવા ગ્રૂપ’ની સ્થાપના કરી હતી. આ કંપનીનું નામ તે વખતે ‘અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લૉક મૅન્યુફૅક્ચરર’ હતું અને કંપનીમાં ઓધવજીની ભાગીદારી માત્ર 15 હજાર રૂપિયાની હતી. જોકે, બાદમાં ભારતમાં અજંતાની દીવાલ ઘડિયાળ લોકપ્રિય થવા લાગી અને વર્ષ 1981માં કંપનીમાંથી ત્રણ ભાગીદાર અલગ થતાં ‘અજંતા કંપની’ ઓધવજીના નામે થઈ.


આ દાયકામાં ઓધવજીએ ‘ક્વાટર્ઝ ઘડિયાળ’ બનાવવાનું શરૂ કર્યું. પરિણામ એ આવ્યું કે અજંતા વિશ્વની સૌથી વધુ ઘડિયાળનું ઉત્પાદન કરતી કંપની બની, એટલું જ નહીં ઇલેટ્રૉનિક્સ કન્ઝ્યુમર કૅટેગરીમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઑફ કૉમર્સે અજંતા ગ્રૂપને સતત 12 વર્ષ સુધી હાઇએસ્ટ ઍક્સ્પોર્ટરનો ઍવૉર્ડ આપ્યો.


મોરબીમાં ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો પુલ તૂટી પડવાને કારણે કરૂણ મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે મચ્છુ નદીમાં પડેલા લોકોને શોધવા માટે 30 ઓક્ટોબરથી શરુ કરવામાં આવેલું સર્ચ ઓપરેશન 4 નવેમ્બરે પૂર્ણ કરવામાં આવ્યું હતું. સતત 5 દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ પૂર્ણ જાહેર કરાયું હતું. મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા.