સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના વધુ પાંચ કેસો નોંધાયા છે. સુરેન્દ્રનગરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરની ડાયમંડ સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષના આધેડ, શહેરી વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષના ડોકટર, વીઠ્ઠલપ્રેસ રોડ પર રહેતા ૬૦ વર્ષના વૃધ્ધ મહિલા અને ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામમાં રહેતા માતા અને પુત્ર સહિત કુલ પાંચ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ આવતાં તમામ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક ૧૨૦એ પહોંચી ગયો છે.