રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે આજે સવારે પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ફણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. રાજકોટમાં ધીમીધારે વરસાદ અવિરત પડી રહ્યો છે. અત્યાર સુધીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. સારા વરસાદને લઈને શહેરીજનો ખુશ છે.
અમરેલી જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. સાવરકુંડલાના બાઢડા પંથકમાં વરસાદ થયો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જૂનાગઢના માણાવદરમાં વરસાદનું આગમન થયું છે. શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદ પડતાં શહેરના રસ્તા પાણી પાણી થયા છે.
પોરબદર જિલ્લાના બરડા પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. બરડા પંથકના ફટાણા,કુણવદર અને કેશવ માં વરસાદી ઝાપટા પડ્યા છે. અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જૂનાગઢ તાલુકામાં મેઘ સવારી આવી પહોંચી છે. કેશોદ તાલુકામાં અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ બાદ મેઘરાજાનું ફરીથી આગમન થયું છે. ગઈ કાલે મેઘરાજાની મેઘ સવારી બાદ આજે પણ મેઘરાજાનું આગમન થયું છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાયા છે.
ભાવનગર શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના વાઘાવાડી, ક્રેસન્ટ, નિલંમબાગ સર્કલ, જવેલ સર્કલ, મોતી તળાવ, કુંભરવાડા હાદાનગર, ચિત્રા ફુલસર સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. જામનગરમાં જોડીયાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. પીઠડ ગામે પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરેન્દ્રનગર અને વઢવાણ તાલુકાના ગામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગરમી અને ઉકળાટ બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં વરસાદ પડી રહ્યો છે. ભાણવડમાં વરસાદનું આગમન થતા લોકો ખુશખુશાલ થઈ ગયા છે. વરસતા વરસાદમાં ભૂલકાઓ ન્હાવા નીકળ્યા હતા. ભાણવડમાં વરસાદ થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. લોકોને અસહ્ય બફારાથી આંશિક રાહત મળી છે.