રાજકોટ: ગૃહિણીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે.છેલ્લા ત્રણ મહિનાથી ટમેટાએ ગૃહિણીઓને પરેશાન કરી દીધા હતા. જોકે હવે ટમેટાને લઈને રાહતના સમાચાર છે. ટમેટાના ભાવ 100 રૂપિયે કિલો થયા છે. બે જ દિવસમાં ભાવમાં જબરજસ્ત ઘટાડો થયો છે. હવે મધ્યમ વર્ગના લોકો પણ એ ટમેટા ખાઈ શકશે. બે દિવસમાં ટમેટાના ભાવમાં કિલોએ 100 રૂપિયા જેવો ઘટાડો થયો છે. મહારાષ્ટ્રમાંથી જથ્થાબંધ 60 થી 70 રૂપિયા કિલો ટમેટા ગુજરાતમાં આવી રહ્યા છે. 


તો બેંગ્લોરમાં પણ 70 થી 80 રૂપિયાના કિલો જથ્થાબંધ ટમેટા ગુજરાતમાં આવી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 70 થી 80 રૂપિયા કિલો જથ્થાબંધ ટામેટાની હરાજી થઈ હતી. રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 10 થી 12 ટ્રક ટમેટા આવી રહ્યા છે. વેપારીઓનું માનીએ તો હજી આવતા દિવસોમાં પણ ટમેટાના ભાવ ઘટી શકે છે. સતત ત્રણ મહિનાથી ટમેટાના ભાવ 200 થી 250 રૂપિયા હતા જેના કારણે મધ્યમ વર્ગની ગૃહિણીઓ માટે ટમેટા ખાવા મુશ્કેલ થઈ ગયા હતા. જોકે હવે સો રૂપિયાના કિલો ટમેટા થઈ જતા ગૃહિણીઓએ પોતાનું રાજીપો વ્યક્ત કર્યો હતો. વેપારીઓનું માનીએ તો આવતા દિવસોની અંદર વરસાદે વિરામ લીધો છે ત્યારે સૌરાષ્ટ્રના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાંથી પણ ટમેટાનું ઉત્પાદન વધી શકે છે અને હજી પણ ભાવમાં ઘટાડો થઈ શકે છે.


સતત બીજા દિવસે અહીં ઘટ્યા શાકભાજીના કિલો દીઠ 10 થી 20 રૂપિયા


સતત વધી રહેલા શાકભાજીના ભાવની વચ્ચે હવે રાહતની સમાચાર આવ્યા છે, અમદાવાદમાં શાકભાજીના ભાવમાં છેલ્લા બે ત્રણ દિવસથી જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પણ શાકભાજી બજારમાં કિલો દીઠ મોટીભાગની શાકભાજીમાં 10 થી 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.


મળતી માહિતી પ્રમાણે, આજે અમદાવાદમાં સવારથી શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે, તહેવારોની સિઝન પહેલા આ પ્રકારે શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આજે કિલો દીઠ શાકભાજીમાં 10 થી 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. વરસાદ બંધ થતાં જ શાકભાજીની આવકમાં જોરદાર વધારો થઇ રહ્યો છે, આવક વધતાની સાથે જ ભાવમાં ઘટાડો નોંધાયો છે. સંભાવના છે કે, હજુ પણ આગામી દિવસોમાં શાકભાજીના ભાવમાં નિયંત્રણ આવશે અને ઘટાડો નોંધાશે. 


આજના શાકભાજીના ભાવ 


- ટામેટાં 180-200 રૂપિયા
- કોબીજ 60-80 રૂપિયા
- ફ્લાવર 100-120 રૂપિયા
- પરવર 80-100 રૂપિયા
- તુરીયા 100-120 રૂપિયા
- દૂધી 60-80 રૂપિયા
- રીંગણ 80-100 રૂપિયા 
- ગવાર 120-160 રૂપિયા
- કારેલા 80-100 રૂપિયા 
- ભીંડા 80-100 રૂપિયા