રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના સંક્રમણ રોકેટ ગતિથી વધી રહ્યું છે. કોરોના પર કાબુ મેળવવા રાજ્યના ચાર મહાનગર રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદમાં નાઇટ કર્ફ્યૂ નાંખવામાં આવ્યો છે. આ દરમિયાન ભાજપના ધારાસભ્યેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.


શું કહ્યું ધારાસભ્ય ગોવિંદ પટેલે


ધારાસભ્ય ગોવિંદ પટેલને ચૂંટણીના લીધે કોરોના ફેલાવવાના મામલે સવાલ કરવામાં આવ્યો ત્યારે કહ્યું કે, જે લોકો મહેનત અને મજૂરી કરે છે તેમને કોરોના નથી થતો. ભાજપના કાર્યકર્તાએ મહેનત અને મજૂરી કરી છે. એકપણ કાર્યકર્તા આનાથી સંક્રમિત થયો નથી. બેદકારીના કારણે મહામારીનો રોગ વકર્યો છે.


કોરોનાના કેસમાં ઉછાળા માટે લોકો જવાબદારઃ રૂપાણી


રાજ્યમાં ફરી એક વાર કોરોનાના દર્દીઓમાં જોરદાર ઊછાળો નોંધાઈ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આશ્ચર્યજનક નિવેદન કરતાં કહ્યું છે કે, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે તે માટે ચૂંટણી જવાબદાર નથી. જો ચૂંટણીના કારણે સંક્રમણ વધ્યું  હોય, તો મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં ક્યાં ચૂંટણી હતી ? આમ છતાં, ત્યાં પણ કેસ વધ્યા છે. રૂપાણીએ આ પહેલાં કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું તે માટે સામાન્ય લોકોની બેદરકારી જવાબદાર છે. આમ રૂપાણી સરકારે સામાન્ય લોકોને જવાબદાર ગણાવીને હાથ ખંખેરી નાંખ્યા છે. તેમણે દાવો કર્યો કે, રાજ્ય સરકારે અને ભાજપે પણ કાર્યક્રમો રદ કર્યા છે, પરંતુ બજેટ પસાર કરવું પડે તેમ હોવાથી વિધાનસભા ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે કોરોના સામે લડવા માટે સંપૂર્ણ તૈયારી કરી છે અને લોકોએ  પેનિક કરવાની જરૂર નથી  પરંતુ સાવચેત રહેવું જરૂરી છે. તેમમે અપીલ કરી કે નાગરિકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, ભીડ ના કરે તેમજ ઝડપથી વેક્સિન લઈ લે કેમ કે આપણી પાસે આ જ ઉપાય છે.


ગુજરાતમાં કોરોનાનું શું છે ચિત્ર


રાજ્યમાં કોરોના  બેકાબૂ થયો છે. સંક્રમણમાં  સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે રાજ્યમાં 1565  નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 6  લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે. શનિવારે રાજ્યમાં 969  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,74,249 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.08  ટકા પર પહોંચ્યો છે. હાલ 6737  એક્ટિવ કેસ છે, જેમાંથી 69   લોકો વેન્ટિલેટર પર અને 6668 લોકો સ્ટેબલ છે.