રાજકોટ: રાજકોટના શાપરમાં વધુ એક અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. શાપરમાં કિશાન ગેઇટ સામે પુલ ઉપર રોંગ સાઈડમાં આવતા બાઇકને બોલેરો ચાલકે ટક્કર મારતા અકસ્માત થયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બે ભાઈઓના મોત થયા છે. અકસ્માતની ઘટનાને લઈને પરિવારમાં અરેરાટી છવાઈ ગઈ છે.
પોલીસ પાસથી મળતી વિગતો અનુસાર, રાજકોટમાં ગોંડલ રોડ ઉપર વાવડી વિસ્તારમાં રહેતો ચંદ્રપ્રકાશ દિનદયાલ વર્મા (ઉ.વ.32) અને તેનો મોટો ભાઈ વીરબહાદુર દિનદયાલ વર્મા સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં કારખાનામાંથી છૂટ્યા બાદ ચંદ્રપ્રકાશ વર્માના ઘરે જવા બંને ભાઈઓ બાઈક લઈને નીકળ્યા હતા ત્યારે શાપરમાં કિશાન ગેઇટ સામે આવેલા પુલ ઉપર બંને ભાઈઓ ડબલ સવારીમાં રોંગ સાઈડમાં જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવેતી બોલેરો કારના ચાલાકે રોંગ સાઈડમાં આવતા બાઈકને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચંદ્રપ્રકાશ વર્મા અને વીરબહાદુર વર્માને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બંને યુવકની સારવાર કારગત નિવડે તે પહેલા જ પહેલા ચંદ્રપ્રકાશ વર્માએ અને બાદમાં વીરબહાદુર વર્માએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
પ્રાથમિક પૂછપરછમાં ચંદ્રપ્રકાશ વર્મા અને વીરબહાદુર વર્મા મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને ચાર ભાઈ હતા. ચંદ્રપ્રકાશ વર્મા અને વીરબહાદુર વર્માને બે-બે પુત્ર છે. અને કારખાનામાંથી કામ કરી બંને ભાઈઓ ચંદ્રપ્રકાશ વર્માના ઘરે જતા હતા ત્યારે જીવલેણ અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતની ઘટનાને ળઈ શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લિંબડી-રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રન
રાજ્યમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. અમદાવાદ અને મહેસાણામાં હિટ એન્ડ રનની ઘટનામાં એક-એક વ્યક્તિનું મોત થયુ હતુ, તો વળી, બે દિવસ પહેલા રાજકોટ હાઇવે પર વધુ એક રાહદારીનું મોત થયુ હોવાની ઘટના સામે આવી હતી. લિંબડી-રાજકોટ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી. અહીં પગપાળા જતા લોકોને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. અજાણ્યા વાહનની ટક્કર વાગતા પગપાળા જઇ રહેલો એક વ્યક્તિ મોતને ભેટ્યો હતો. આ હિટ એન્ડ રનની ઘટના હાઇવે પર બોડીયા અને લિંબડી વચ્ચે સર્જાઇ હતી. વહેલાલથી દ્વારકા પગપાળા ચાલીને જતા સંઘને આ અકસ્માત નડ્યો હતો, જેમાં અજાણ્યો વાહન ચાલક આ સંઘના જ એક વ્યક્તિને અડફેટે લઇને ફરાર થઇ ગયો હતો, બાદમાં હિટ એન્ડ રન અક્સ્માતમાં ભોગ બનનાર વ્યક્તિના મૃતદેહને લિંબડીની સરકારી હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.