રાજકોટ: રંગીલા રાજકોટમાં બે અલગ અલગ હત્યાની ઘટના સામે આવી છે. હત્યાની ઘટનાને લઈને અરેરાટી મચી જવા પામી છે. એકમાં ઘર કંકાસમાં પુત્રએ જ પિતાની હત્યા કરી તો બીજી ઘટનામાં એક યુવતીની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે. જો કે, યુવતીની હત્યા કેમ કરવામાં આવી તે અંગે કોઈ નક્કર માહિતી સામે આવી નથી.
ભગવતીપરામાં મહિલાની ઘાતકી હત્યારાજકોટમાં હત્યાની પહેલી ઘટનામાં બેડી ચોકડી નજીક ભગવતીપરા વિસ્તારમાં સ્નેહાબેન હિતેશભાઈ આસોડિયા (ઉંમર 33) નામની એક મહિલાનો મૃતદેહ માથું છૂંદેલી અને હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો છે.
આ અંગે વિગતે વાત કરીએ તો મૃતક મહિલા ભગવતીપરાની કોપરગ્રીન સોસાયટીમાં રહેતી હતી. મૃત્યુ પહેલાં તેમણે પોતાના પતિને પોતે પાણીપુરી ખાવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું અને ફેક્ટરીમાંથી પાછા આવતી વખતે તેમને સાથે લેતા જજો તેમ કહ્યું હતું.
યુવતીની તીક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની આશંકા
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા અને ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બી ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે હત્યાના આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ઘર કંકાસમાં પુત્રએ કરી પિતાની હત્યાતો બીજી ઘટનામાં ગુરુવારના રોજ હુડકો ક્વાર્ટર વિસ્તારમાં ઘર કંકાસના લીધે એક પુત્રએ પોતાના પિતાની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. મૃતકનું નામ નરેશ વ્યાસ છે. હત્યાનો આરોપ તેમના પુત્ર હર્ષ વ્યાસ પર મૂકવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે હત્યાનું મુખ્ય કારણ ઘર કંકાસ હતો. મૃતક નરેશ વ્યાસ છેલ્લા બે-ત્રણ વર્ષથી પરિવારજનોને હેરાન કરતા હતા.
મૃતક નરેશ વ્યાસની બહેન દ્વારા આરોપી પુત્ર હર્ષ વ્યાસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે હત્યાના આ મામલે આરોપી હર્ષ વ્યાસની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી હર્ષ વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. પોલીસે આરોપી હર્ષ વિરુદ્ધ હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.