જેતપુર: શહેરના નકલંગ આશ્રમ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરવાટ ઝડપે આવતી કારે બે યુવકોને અડફેટે લીધા હતા. પહેલા બે બાઈકને  અડફેટે લીધા બાદ કાર રસ્તાની બાજુમાં બેઠેલા યુવકોને કચડી ખેતરમાં ઘુસી ગઈ હતી. હાલ આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ અકસ્માતમાં બન્ને યુવકના મોત થયા છે. કારે અડફેટે લેતા યુવકો ફૂટબોલની જેમ ફંગોળયા હતા. સમગ્ર અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ હતી. આ અકસ્માતમાં નિખિલ ઘેલાણી અને હર્નિશ મેર નામના વ્યક્તિના મોત નિપજ્યા છે.


 




ગાંધીનગરમાં ટ્રેનિંગ પુરી કરી વતનમાં જતા મહિલા કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત
અરવલ્લી: મહિલા કોન્સ્ટેબલનું માર્ગ અકસ્માતમાં મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મહિલા કોન્સ્ટેબલ રેખા બેન ખાંટ ગાંધીનગર ખાતે ટ્રેનિંગ પુરી કરી એક્ટિવા પર વતન જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. દહેગામ પાસે કોન્સ્ટેબલ રેખા બેનના એક્ટિવાનો અજાણ્યા વાહન સાથે અકસ્માત થયો હતો. હાલમાં તેમના મૃતદેહને વતન મેઘરજના ઉકરડી ખાતે લવાયો છે. તો બીજી તરફ અરવલ્લી પોલીસ દ્વારા મૃતાત્માને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.


નેપાળમાં પ્લેન ક્રેશમાં તમામ મુસાફરોના મોત, 4 ભારતીયો સહિત 22 લોકો સવાર હતા


નેપાળના ટૂરિસ્ટ ટાઉન પોખરાથી ઉડાન ભર્યાની થોડી જ મિનિટો બાદ હિમાલયના પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયેલા તારા એર પ્લેનનો કાટમાળ મળી આવ્યો છે. નેપાળની સેનાએ મુસ્તાંગના થાસાંગ-2ના સનોસવેરમાં ક્રેશ થયેલું તારા એર પ્લેન શોધી કાઢ્યું છે. આ દરમિયાન વિમાનમાં સવાર તમામ 22 લોકોના મોત થયા છે. નેપાળની સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. વિમાનમાં ચાર ભારતીયો પણ સવાર હતા. અગાઉ ખરાબ હવામાન અને વાદળછાયા વાતાવરણને કારણે વિમાનને શોધવામાં મુશ્કેલી પડતી હતી. આ વિમાને સવારે 10.15 વાગ્યે રાજધાની કાઠમંડુથી 200 કિમી પૂર્વમાં સ્થિત પોખરાથી ઉડાન ભરી હતી.


ચાર ભારતીય નાગરિકો પણ સવાર હતા
બચાવ ટુકડીઓ સાથે સૈનિકો અને હેલિકોપ્ટર સંભવિત સ્થળ શોધવામાં રોકાયેલા હતા. પ્લેન પશ્ચિમી ટેકરીઓમાં આવેલા જોમસોમ એરપોર્ટ પર ઉતરવાનું હતું, પરંતુ પોખરા-જોમસોમ હવાઈ માર્ગ પર ગોરેપાની ઉપર આકાશમાં આવેલા ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો. 'તારા એર'ના 'ટ્વીન ઓટર 9એન-એઈટી' વિમાનમાં ચાર ભારતીય નાગરિકો, બે જર્મન નાગરિકો અને 13 નેપાળી મુસાફરો ઉપરાંત ત્રણ નેપાળી ક્રૂ મેમ્બર્સ સવાર હતા. કેનેડિયન નિર્મિત વિમાન પોખરાથી મધ્ય નેપાળના પ્રખ્યાત પર્યટન શહેર જોમસોમ જઈ રહ્યું હતું. બે શહેરો વચ્ચેની ફ્લાઇટની મુસાફરી સામાન્ય રીતે 20-25 મિનિટ લે છે.