રાજકોટ:  રાજકોટના અક્ષય માકડિયા અને સ્મિત નાગર નામના બે સાહસિક યુવાનોએ માત્ર ૬ દિવસમાં ૩૧૦૦ કિલોમીટરની લાંબી બાઇક યાત્રા પૂર્ણ કરી અનોખી સિદ્ધિ મેળવી છે. તેઓએ પોતાની આ મુશ્કેલ અને અવિસ્મરણીય યાત્રા રવિવારની સવારે રાજકોટથી શરૂ કરી હતી, જેનો મુખ્ય હેતુ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાપર્વ “પવિત્ર મહાકુંભ” મેળામાં સ્નાન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરવાનો હતો.

Continues below advertisement

આ યુવાનોએ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને ઉત્તરપ્રદેશ રાજ્યોને પાર કરતાં કડકડતી ઠંડી, અનિશ્ચિત વાતાવરણ અને પડકારરૂપ રસ્તાઓનો સામનો કરીને આ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. તેઓ શુક્રવારે સાંજે સુરક્ષિત રીતે ઘરે પાછા ફર્યા હતા.

આ યુવાનોએ સડક સુરક્ષાનું ઉદાહરણ પૂરું પાડતાં, સંપૂર્ણ સલામતી ગિયર  જેવા કે હેલ્મેટ, રાઇડિંગ જેકેટ, ગ્લવ્ઝ, ઘૂંટણ અને કોણી માટેના પ્રોટેક્ટર સહિત તમામ જરૂરી સાધનો સાથે આ સફર શરૂ કરી હતી. તેમણે જણાવ્યું કે લાંબી બાઇક મુસાફરી દરમિયાન સલામતી ગિયર અત્યંત મહત્વનું છે, જે કોઈપણ અણધારી ઘટના વખતે જીવ બચાવી શકે છે. તેમણે અન્ય તમામ બાઇક રાઇડર્સને પણ સલાહ આપી કે, તેઓ જ્યારે પણ મુસાફરી કરે ત્યારે સલામતી ગિયર અવશ્ય પહેરે.

Continues below advertisement

તેઓએ જણાવ્યું કે આ યાત્રા માત્ર પ્રવાસ નહિ, પરંતુ તેમની આધ્યાત્મિક શ્રદ્ધા અને સાહસિક જિજ્ઞાસાનો સુભગ સમન્વય હતી. અક્ષય અને સ્મિતની આ સિદ્ધિ અન્ય યુવાનો માટે પણ પ્રેરણાદાયી સાબિત થશે.