Fake Toll Naka: મોરબીના વાંકાનેર પાસે નકલી ટોલનાકાનો પર્દાફાશ થતા પાંચ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં અમરશી પટેલ પણ સામે છે. અમરશી સીદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામભાઈ પટેલના પુત્ર છે. પુત્ર અમરશીને આરોપી બનાવતા જેરામ પટેલે સ્પષ્ટતા કરી છે. પુત્રએ ફેક્ટરી ભાડે આપ્યાની જેરામ પટેલની સ્પષ્ટતા છે. તેમનું કહેવું છે કે ભાડુઆત શુ કરે તે ખબર નથી. ભાડાચીઠ્ઠી પણ પોલીસને આપી દેવાઈ છે. સાથે જ તેમણે કહ્યું કે આજે હું પોલીસ સમક્ષ જવાનો છું અને અમારી રજૂઆત તેમની સમક્ષ મુકીશ. હકીકતમાં અમરશીભાઈનું વ્હાઈટ હાઉસમાં કોઈ ભાગીદારી નથી અને કોઈ પદ પર પણ નથી.
વાંકનેર નજીક દોઢ વર્ષથી ધમધમતા આ ફેક ટોલ બૂથમાં દરરોજની 1 લાખની કમાણી થતી હોવાની સાથએ અન્ય પણ ચોંકાવનારા તથ્યો સામે આવ્યં છે. આ સમગ્ર કૌભાંડમાં વાંકાનેર તાલુકા ભાજપના અગ્રણીની સંડોવણી પણ બહાર આવી છે. પોલીસ ફરિયાદમાં ધર્મેદ્રસિંહ ઝાલા ભાજપના અગ્રણી અને વઘાસિયા ગામના વર્તમાન સરપંચ ધર્મેદ્રસિંહ ઝાલા પણ આરોપી હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર કૌભાંડમાં પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. વ્હાઇટ હાઉસ સિરામિક કંપનીના માલિક અમરશી પટેલ, વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે. આ ઘટનામાં પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે. છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનિય છે કે અહીં વ્હાઇટ હાઉસ નામની ફેક્ટરી ઘણા સમયથી બંધ હતી. પાંચમાંથી પૈકી આરોપી અમરશી પટેલે કુલ કલેકશન ના 70 ટકા રૂપિયા લેતો હતો. બાકી રૂપિયા 30 ટકામાં વનરાજસિંહ ઝાલા,હરવિજયસિંહ ઝાલા,ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા લેતા હતા.દરરોજના અંદાજીત 300 થી 400 ટ્રક નીકળતા હતા. એક વાહન પાસેથી 200 રૂપિયા વસુલ કરતા હતા. આ ફેક ટોલ બૂથમાં ટેમ્પાના 100, મોટા ટ્રકના 200 અને ફોર વ્હીલના 50 લેવાતા હતા.જ્યારે કારચાલકો પાસેથી 50 રૂપિયાની વસૂલી કરતા હતા.આ ફેક ટોલ બૂથમાં દરરોજની અંદાજીત એક લાખની આવક થતી હતી.
શું છે સમગ્ર મામલો
મોરબીના વાંકાનેર નજીક ખૂબ જ ચૌંકાવી દેતી ઘટના સામે આવી છે, અહીં નકલી ટોલનાકાનો પર્દાફાશ થતાં ઉઘાડી લૂંટની ઘટનાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે.મોરબીના વાંકાનેર નજીક વધાસિયા ગામે સીરામિકની ફેક્ટરી ભાડે રાખીને અહીં નકલી ટોલનાકુ ચલાવીને જનતા સાથે ઉઘાડી લૂંટ થતી હતી. દોઢ વર્ષથી ચાલતું આ સમગ્ર ગોરખધંધો ત્યારે ઉજાગર થયું જ્યારે આ મુદ્દે એક વીડિયો વાયરલ થયો. આપને જણાવી દઇએ કે, છેલ્લા દોઢ વર્ષથી ધમધમતા આ નકલી ટોલ નાકામાં ટેમ્પાના 100, મોટા ટ્રકના 200 અને ફોર વ્હીલના 50 લેવાતા હતા. રવિ નામનો કોઈ શખ્સ આ ટોલનાકું ચલાવતો હોવાનો અહેવાલ સામે આવ્યો છે. દોઢ વર્ષથી ચાલતા આ ફર્જીવાડાને લઇને અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે. આ નકલી ટોલનાકા માટે કોને તેને પરવાનો આપ્યો. આ મુદ્દે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ પણ મૌન ધારણ કર્યું છે. હાઈવે ઓથોરિટી, જિલ્લા અને પોલીસ પ્રશાસનના આંખ આડા કાન કરીને ચાલતા આ ટોલનાકાને લઇને તંત્ર અને સિસ્ટમ પર સવાલ થવા સ્વાભાવિક છે.