Rajkot Rain:  રાજ્યભરમાં આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાજકોટમાં પણ કમોસમી વરસાદે ચોમાસા જેવો માહોલ સર્જી દીધો હતો. ભારે પવન અને કાળા ડિંબાગ વાદળો વચ્ચે  સાથે સવારથી વરસાદ વરસતાં  વિઝિબિલિટી પણ ડાઉન થઇ હતી, જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા. રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રાજકોટ, ગોંડલ ધોરાજી. જેતપુર વીરપુર, ઘોરાજી સહિત ઉપલેટામા પણ ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે.


હવામાન વિભાગની આગાહી વચ્ચે સવારથી કમોસમી વરસાદ ખાબકતા અમદાવાદ થી રાજકોટ ના હાઈ વે પાણીથી તરબોળ થઇ ગયા હતા. આટલું જ નહી માલ્યાસણ પાસે તો કરા પડતાં રસ્તા પર બરફની ચાદર છવાઇ ગઇ હતી. ભારે વરસાદની સાથે કરા પડતા રાહદારી બરફની મોજ માણતા પણ જોવા મળ્યા હતા. રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણની પાસે સીમલા જેવા  દ્રશ્યો સર્જાયા હતા.


રાજકોટ જિલ્લાના ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડતાં  ચોમાસા જેવો માહોલ સર્જયો હતો. ધોરાજીના કલાણા. છત્રાસા. પાટણવાવ. ભોળા ગામ સહિત ગ્રામ્ય વિસ્તારમા ભારે વરસાદ પડતાં ખેડૂતોની ચિંતા વધી છે. ઉપલેટાના ગ્રામ્ય પંથક મોટી પાનેલી, કોલકી, ડુમિયાણી, રબારીકા, ખારચીયા સહિતના ગામોમાં વરસાદ પડતાં  જીરુ, ચણા, મગફળી કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.                                                                     

ગોંડલમાં ગાજવીજ સાથે કમૌસમી વરસાદ વરસતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ વેપારીઓની કપાસ,ડુંગળી,મરચા સહિતની જણસીઓ પલળી જતાં નુકસાન થયુ છે. જોકે કમોસમી વરસાદની આગાહીને કારણે માર્કેટ યાર્ડ સત્તાધીશોએ યાર્ડમાં ખેડૂતોને માલ નહી લઈને આવવાની સૂચના આપી હતી. યાર્ડ સત્તાધીશોએ આપેલ સૂચનાઓનું વેપારીઓ અણગણતા જણસીને ભારે નુકસાન થયું છે. યાર્ડમાં વેપારીઓના વ્યાપક પ્રમાણમાં મરચા પલળી ગયાના અહેવાલ છે.રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના અલગ અલગ ગામડાઓમાં કરા સાથે વરસાદ પડ્યો. રામોદ બગદાડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં  પણ કરા સાથે ધોધમાર વરસાદ પડતા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી .