રાજકોટ:  વરસાદની આગાહી વચ્ચે કચ્છ અને રાજકોટમાં આજે કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજકોટના ગોંડલ હાઈવે પર ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદને લઈ ઉનાળું પાકને નુકસાનની ભીતિ છે.


બીજી તરફ કચ્છ જિલ્લામાં પણ બે દિવસના વિરામ બાદ ફરી કમોસમી વરસાદ વરસ્યો  હતો. કચ્છના રાપર તાલુકામાં પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.. કચ્છમાં કમોસમી વરસાદને લઈ ઉનાળું પાક અને કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે.. 


હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. સંભવિત કુદરતી આપત્તિના સામના માટે વહીવટીતંત્રની સજ્જતાને લઈ રાજ્યના મુખ્ય સચિવે ઓનલાઈન સમીક્ષા કરી હતી.. સંભવિત આપત્તિ સામે ગુજરાતનું વહિવટીતંત્ર સંપૂર્ણ તકેદારી સાથે સુસજ્જ છે.. કેન્દ્રીય સુરક્ષા એજન્‍સીઓ, લશ્કરની ત્રણેય પાંખ, રાજ્યનું આપત્તિ વ્યવસ્થા૫નનું માળખું અને વહિવટીતંત્રનો સંકલિત પ્રયાસ રહેશે.. 




હવામાન વિભાગે આગાહી કરી છે કે, 13 મેના રોજ સામાન્ય વરસાદ તેમજ વાવાઝોડું ફૂંકાઇ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ અને સુરતમાં વાવાઝોડાની તેમજ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.


જ્યારે 14 મેના રોજ દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સક્રિય થવાની સંભાવના છે. આ લો પ્રેશર 16 મેના રોજ સાયક્લોનિક સરક્યુલેશનમાં પરિવર્તિત થશે..જેનું સતત મોનિટરિંગ હવામાન વિભાગ કરી રહ્યું છે. સામાન્ય રીતે અરબી સમુદ્રમાં બનતા વાવાઝોડા ઓમાન તરફ ફંટાતા હોય છે..પરંતુ લૉ પ્રેશરમાંથી વાવાઝોડા પરિવર્તિત થયા બાદ જ તેની દિશા નક્કી થઈ શકશે.