રાજકોટ:  સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. લીંબુના ભાવમાં તો સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટની શાકમાર્કેટમાં લીંબુ 150  રૂપિયાના કિલો મળી રહ્યા છે.  સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લામાંથી લીંબુની આવક થઈ રહી છે પરંતુ કરા સાથે વરસાદ વરસતા લીંબુના પાકને નુકસાન થયું છે.  

Continues below advertisement

છેલ્લા 15 દિવસમાં જ લીંબુમાં પ્રતિ કિલો 30 રૂપિયાનો વધારો થયો છે.  મરચાના ભાવ પણ 60 થી 80 રૂપિયા થઈ ગયા છે.  તો માવઠાએ  કેરીની મજા પણ બગાડી નાંખી છે. કેસર કેરીના પાકને નુકસાન થતાં ભાવ આસમાને પહોંચ્યા છે.  રાજકોટ શહેરમાં એક કિલો કેરીના ભાવ 400 રૂપિયા સુધી પહોંચી ગયા છે.  મધ્યમ વર્ગ માટે તો કેરી ખાવી મુશ્કેલ બની છે.  અમદાવાદમાં પણ આ જ સ્થિતિ છે. અમદાવાદની શાકમાર્કેટમાં આદુનો પ્રતિ કિલો 85 રૂપિયા થયો છે. .કોથમીર,  મરચા અને લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે.  

Gujarat: કમોસમી વરસાદથી ઉત્તર ગુજરાતમાં ભારે નુકસાન, માવઠાએ ખેડૂતોને ફરી પાયમાલ કર્યા

ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મહેસાણા જિલ્લામાં  બહુચરાજી તાલુકામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ઘઉં,અજમો, એરંડા સહિતના પાકને નુકસાન થયું છે.  ખેડૂતોની માંગ છે કે  સરકાર તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવે. આ જ સ્થિતિ અરવલ્લી જિલ્લાની છે.  અરવલ્લીમાં છેલ્લા બે દિવસથી કરા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જેને લઈ મોડાસા તાલુકામાં તરબૂચ સહિતના પાકને ભારે નુકસાન  થયું છે. 

Continues below advertisement

મોડાસા તાલુકાના વણિયાદ, કોકાપુર સહિતના ગામોમાં ખેડૂતોએ તરબૂચનું વાવેતર કર્યું હતું પરંતું કરા સાથે વરસાદ વરસતા તરબૂચના પાકને નુકસાન થયું છે. ખેડૂતોએ વેપારીઓ સાથે તરબૂચના સોદા પણ કરેલા જો કે  માવઠાએ ખેડૂતોને ફરી પાયમાલ કર્યા છે. 

બનાસકાંઠા જિલ્લામાં માવઠાએ તારાજી સર્જી છે.  ઘઉં, રાયડો, એરંડો,  જીરું અને બટાટા સહિતના પાકને નુકસાન થયું છે.   પાંથાવાડા માર્કેટ યાર્ડમાં ગઈકાલે એક કલાક ધોધમાર વરસાદ વરસતા યાર્ડ પાણી-પાણી થયું હતું.  યાર્ડમાં ખુલ્લામાં રખાયેલી જણસી પાણીમાં ગરકાવ થઈ હતી.   રાયડો, એરંડો,  ઈસબગુલ સહિતનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે.   અંદાજે 5 હજાર કરતાં વધુ બોરી ભરેલો માલ પાણીમાં પલળી જતાં વેપારીઓને પણ નુકસાન થયું છે.  પાટણ જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોને રોડવાનો વારો આવ્યો છે.  સિદ્ધપુર તાલુકામાં ગઈકાલે 2 કલાકમાં એક ઈંચ વરસાદ ખાબકતા ઘઉં સહિતના પાકને નુકસાન થયું છે.