રાજકોટઃ  પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના પરિવારજનોએ જણાવ્‍યું છે કે સત્તાવાર ડીએનએ રિપોર્ટ મળ્‍યા બાદ જ અંતિમવિધી અંગેનો કાર્યક્રમ જાહેર કરાશે. હજુ સુધી કોઈ તારીખ કે અન્‍ય વિગતો જાહેર કરવામાં આવી નથી. આ સાથે જ રુપાણી પરિવાર દ્વારા તમામ મીડિયા અને અખબારોને વિનંતી કરવામાં આવી છે કે સત્તાવાર જાહેરાત ન થાય ત્‍યાં સુધી અંતિમવિધિ અંગે કોઈપણ વિગતો પ્રસિધ્‍ધ ન કરવી.

Continues below advertisement

સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ

અમદાવાદ પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર બાદ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છે.   રાજકીય નેતાઓ ગાંધીનગર ખાતે આવેલા તેમના બંગલે પહોંચી  શ્રદ્ધાંજલિ આપી હતી. વિજયભાઈના  પત્ની અંજલીબેન રૂપાણીને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કર્યો હતો. દિવંગત વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે. વિજય રૂપાણીના પુત્ર ઋષભ અમેરિકાથી પરત આવી ગયા છે.  

Continues below advertisement

પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે

વિજય રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે. આજે અથવા આવતીકાલે DNAની કામગીરી પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીમાં વિજય રૂપાણીના નિવાસ સ્થાન પર પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.

રાજકોટ સજ્જડ બંધ 

વિજયભાઈ રુપાણીના નિધનથી સમગ્ર રાજકોટમાં શોકનો માહોલ છે. રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ગઈકાલે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ખાનગી શાળાઓ બંધ છે. વહેલી સવારથી રાજકોટની તમામ શાળાઓ સજ્જડ બંધ પાળ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ઋણ ચૂકવવા માટે ખાનગી શાળા સંચાલક મંડળે નિર્ણય કર્યો હતો. વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે ખાનગી શાળાઓના અનેક પ્રશ્નો ઉકેલ્યા હતા. 

એક મહાન વ્યક્તિ ગુમાવી છે- ઋષિકેશ પટેલ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ અને ગુજરાતે એક સમાજસેવી આગેવાન, એક મહાન વ્યક્તિ ગુમાવી છે. તેઓ વિદ્યાર્થીકાળથી જ સંઘર્ષ કરતા રહ્યા હતા.  આ દુઃખદ પળોમાં સૌને શક્તિ મળે તેવી પ્રાર્થના.

12 જૂન ગુરુવારનો દિવસ ગુજરાત અને અમદાવાદ માટે ગોજારો દિવસ સાબિત થયો. ભયાનક પ્લેન ક્રેશમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એર ઈન્ડિયાનું આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. આ વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 મુસાફરો હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા. આ ઘટનામાં તેમનું પણ નિધન થયું.