રાજકોટ : દેવભૂમિ દ્વારકામાં મોરારીબાપુ પર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કરવામાં આવેલ હુમલાના પ્રયાસને લઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં સાધુ સંતોમાં રોષ ફેલાયો છે. મોરારીબાપુ પર થયેલા હુમલાના પ્રયાસનો પડઘો યાત્રાધામ વીરપુરમાં પડ્યો છે. મોરારીબાપુના સમર્થનમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ વીરપુર આવતીકાલે બંધ પાળશે. વીરપુર ગામના સમગ્ર વેપારીઓ રોજગાર ધંધા બંધ રાખી રોષ વ્યક્ત કરશે. જલારામબાપાના પરિવારના પ્રતિનિધિ અને વીરપુર ગામના પાંચ આગેવાનો આવતીકાલે રાજકોટ જઈને આવેદનપત્ર પણ આપશે.


બીજી તરફ મોરારીબાપુના સમર્થનમાં ભાવનગરના મહુવા ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સ મહુવા, ભાજપ, કોંગ્રેસના કાર્યકરો, હિંદુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો તથા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

આવતીકાલે મહુવા બંધનું એલાન આપ્યું છે. આવતીકાલે 10 વાગ્યે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. આ સાથે જ મોરારીબાપુ જેમ માફી માટે દ્વારકા ગયા હતા તેમ પબુભા માણેક આવી બાપુ પાસે માફી માંગે તેવી માંગ પણ કરી છે.