એક બાજુ બફારો થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ વરસાદે માજા મુકી છે ત્યારે આજે સૌરાષ્ટ્રના ગોંડલમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગોંડલન બાન્દ્રા ગામમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. બાન્દ્રા ગામમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ગામમાં ઢીંચણ સુધી પાણી ભરાઈ ગયા હતાં જ્યારે ખેતરોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઉપરાંત ભારે વરસાદને પગલે ખેડૂતોએ ઉપાડેલી મગફળીનો પાક તણાઈને નદીમાં વહેતો થયો હતો. સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.

ગોંડલ સહિતના ગ્રામ્ય પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગોંડલ પંથકમાં ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાય ગયા હતાં. જેના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા વધા ગઈ હતી. ગોંડલના ગ્રામ્ય વિસ્તાર દેવચડી, બાંદ્રા, મોવિયા, શ્રીનાથગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત રાજકોટમાં અસહ્ય બફારા વચ્ચે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. મહત્વનું છે કે રાજકોટમાં 22 તારીખ સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે.

જસદણ તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. બપોર બાદ કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાઈ ગયું હતું. જસદણના શિવરાજપુર, લીલાપુર, માધ્વીપુર, વડોદ, ગઢડીયા સહિતના ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બાબરાના ઘુઘરાળા, ઉટવડ, ચમારડી, નીલવડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે રોડ-રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. સતત વરસાદથી જગતનો તાત ચિંતિત બન્યો છે.

અમરેલીના વિઠ્ઠલપુર ગામમાં અનરાધાર વરસાદ વરસતા ગામ બેટમાં ફેરવાયું હતું. ગામમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતાં. ગામમાં પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં. અમરેલીના ફતેપુર, પીઠવાજાળ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.