રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે., રાજકોટ શહેરમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્ધારા ૬૯૨ કોવિડ કો ઓર્ડિનેટરોની નિમણૂક કરવામાં આવી છે. શહેરના તમામ વોર્ડમાં કોવિડ કો ઓર્ડિનેટરોની નિમણૂક કરાઇ છે. સ્થાનિકોને જ કોવિડ કો ઓર્ડિનેટર તરીકે રાખવામાં આવ્યા છે. કોવિડ કો ઓર્ડિનેટરો પોતાના વિસ્તારના લોકોના શરીરનું તાપમાન  માપશે. તે સિવાય શરીરમાં ઓક્સિજન લેવલ પણ ચેક કરશે. આ દરમિયાન શંકાસ્પદ જણાતા લોકોની માહિતી મહાનગરપાલિકા સુધી પહોંચાડશે.

નોંધનીય છે કે  રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 31 દર્દીઓના મોત થયા હતા.  રાજકોટ શહેરના 24,  ગ્રામ્યના 4 અને  અન્ય જિલ્લાના 3 દર્દીઓનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, હાલ રાજકોટમાં 1444 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાના કેસોમાં સતત વધારો થતાં દાણાપીઠના વેપારીઓએ અડધો દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. જે આજથી સવારે 8થી 3 વાગ્યા સુધી જ દુકાન ખુલ્લી રહેશે. બપોર બાદ તમામ દુકાનો બંધ રહેશે. પરિસ્થિતિ કાબૂમાં આવી જશે તો 20 સપ્ટેમ્બરથી દુકાન શરૂ કરી દેવાશે.