અમદાવાદઃ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ  દ્વારા લેવાઈ રહેલી  શારીરિક ક્ષમતા કસોટીનું પરિણામ જાહેર થઈ ગયું છે. રાજ્યના લાખો યુવક, યુવતીઓએ આ પરીક્ષા આપી હતી ત્યારે હવે આ પરીક્ષામાં પાસ કરાવી દેવાના નામે સંખ્યાબંધ વિદ્યાર્થીઓને છેતરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે.


આ કૌભાંડ બહાર આવતાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ઉમેદવારોને અપીલ કરી છે કે, બીજે ક્યાંય પણ ઉમેદવારોની લાલચ નો લાભ લઇ કોઈએ પૈસા પડાવ્યા હોય તો સંબંધિત જિલ્લા/ શહેર પોલીસ નો સંપર્ક કરવો. હસમુખ પટેલે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ નાનીચેના નંબર પર ઓફિસ સમય દરમ્યાન સંપર્ક કરવા પણ કહ્યું છે.


મોબાઈલ નંબર્સઃ


9104654216


8401154217


7041454218


સમયઃ  સવારે 10:30 થી સાંજે 6.00 સુધી


ગુજરાત પોલીસ ભરતી બોર્ડ  દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોક રક્ષક દળ (LRD)ની  પરીક્ષામાં પાસ કરાવી દેવાના નામે લાખો રૂપીયાનું કૌભાંડ આચરાયાનું બહાર આવતાં હસમુખ પટેલે આ અપીલ કરવી પડી છે. ગાંધીગ્રામ પોલીસે કૌભાંડ આચરનાર જુનાગઢની ક્રિષ્નાબેન ભરડવા અને જામનગરના જેનીશ પરસાણાની ધરપકડ કરી છે.


પોલીસે બંને  સામે ગુનો નોંધી બંનેને જેલભેગા કર્યા છે. આ બંને આરોપીઓએ ખરેખર કેટલા ઉમેદવારોને શિકાર બનાવ્યા છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં ત્રણ યુવતી સહિત 12 ઉમેદવારો પાસેથી પોલીસ ભરતીના નામે રૂપિયા ખંખેર્યા હતા એવું બહાર આવ્યું છે.


પોલીસ પાસથી મળેલી વિગતો પ્રમાણે  જુનાગઢની ક્રિષ્નાબેન ભરડવા અને જામનગરના જેનીશ પરસાણાએ કહ્યું હતું કે, ઉમેદવારોને પોલીસ તંત્રમાં પોતાની મોટી ઓળખાણ છે.  તેને કારણે ઉમેદવારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ  દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોક રક્ષક દળ (LRD)ની  શારીરીક કે લેખિત પરીક્ષા આપવી નહી પડે અને સીધા પાસ થઈ જવાશે તેવા દાવા કરી ઉમેદવારોને બાટલામાં ઉતાર્યા હતા. ઘણા ઉમેદવારોએ તેમને નાણાં આપ્યાં હતાં.