ગાંધીનગરઃ ગુજરાતમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં રાજ્યના ગૃહ વિભાગે રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના ગૃહવિભાગે રાજ્યના પોલીસ વડા પાસે અગ્રવાલ સામેના આક્ષેપો અંગે રિપોર્ટ માંગ્યો છે. 3 દિવસમાં રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પોલીસ વડા દ્વારા રિપોર્ટ સોપવામાં આવશે.


રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલા નાણાં વસૂલવા માટે ટકાવારી ખાતા હોવાનો આક્ષેપ કર્યો તેના પગલે આ આદેશ અપાયો છે. રાજકોટના ધારાસભ્ય અને ભાજપના અગ્રણી દ્વારા પોલીસ કમિશનર પર ગંભીર પ્રકારના આક્ષેપો કરતાં  સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. ગોવિંદ પટેલે આક્ષેપ કર્યો હતો કે, અગ્રવાલે ડૂબેલા નાણ વસૂલવા માટે બિઝનેસમેન પાસેથી 75 લાખ રૂપિયા લઈ લીધા અને વધુ 30 લાખ રૂપિયાની ઉઘરાણી માટે ફોન ચાલુ  છે. પૂર્વ મંત્રી અને રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ગૃહમંત્રીને હર્ષ સંઘવીને પત્ર લખીને આ આક્ષેપ કરતાં ખળભળાટ મચ્યો છે.



રાજકોટમાં ખુદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પૈસા પડાવવાનો ધંધો કરે છે તેવા ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના આક્ષેપે સરકારને હલાવી દીધી છે. ગોવિંદ પટેલેગૃહમંત્રીને પત્ર મોકલતાં ભાજપ અને પોલીસ તંત્રમાં સોપો પડી ગયો છે.ધારાસભ્ય ગોવિંદભાઇ એ પત્રમાં લખ્યું છે કે, આશરે 8 મહિના પહેલા રાજકોટના મહેશભાઈ સખીયા સાથે 15 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ કેસમાં એફઆઈઆર દાખલ કરવાના બદલે ઉઘરાણીના 15 ટકા હિસ્સો માગીને રકમ પરત મેળવી આપવાની ખાતરી આપવામાં આવી હતી. તે પ્રમાણે કાર્યવાહી કરીને ક્રાઈમ બ્રાન્ચે આશરે 7 કરોડ રૂપિયા જેટલી વસૂલાત કરી આપી હતી અને કમિશ્નરે પોતાના પીઆઈ મારફતે 75 લાખ રૂપિયા કમિશન પેટે મંગાવી લીધા હતા. આ ઉપરાંત પીઆઈ દ્વારા 30 લાખ રૂપિયાની ઉઘરાણી માટે ફોન કરવામાં આવી રહ્યા હતા. આ મામલે બે-અઢી મહિના પહેલા ગૃહ મંત્રીને લેખિત રજૂઆત કરી હતી. ગૃહમંત્રીની સૂચના બાદ એફ આઈ આર દાખલ કરાઇ હતી. બે આરોપીની ધરપકડ પોલીસે કરી હતી. એક આરોપી આગોતરા જામીન લીધા હોવાનું પણ સામે આવ્યું છે તેની વાત ગોવિંદભાઈ પટેલે કરી હતી.  તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે જો કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય તો ત્યાં બોલવું કંઈ ખોટું નથી.