ડાંગરી આતંકી હુમલાને અંતર્ગત પૂછપરછ માટે આશરે 18 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, હુમલાખોરોને શોધવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.


Terrorist Killed In Balakot: જમ્મુ-કાશ્મીરના રાજૌરી જીલ્લાના ડાંગરી ગામમાં આતંકીઓએ ફાયરિંગ અને બોમ્બ બ્લાસ્ટની ઘટનાને અંજામ આપ્યો હતો. આતંકી હુમલામાં બાળકો સહિત અનેક નાગરિકોના મોત થયા હતા. હુમલા બાદ તમામ સુરક્ષા દળો એલર્ટ પર છે અને ડાંગરી હુમલામાં સામેલ આતંકીઓને પકડવા માટે ઓપરેશન ચાલુ છે.


ભારતીય સેનાની એક યુનિટ વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વિટર પર કહ્યું, "ડાંગરી હુમલામાં સામેલ આતંકવાદીઓને પકડવા માટે ઓપરેશન ચાલુ છે. બાલાકોટમાં સરહદ પર તૈનાત સતર્ક સૈનિકોએ અત્યાર સુધીમાં 2 આતંકવાદીઓને શોધીને ઠાર કર્યા છે. આ સાથે , સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને ઓપરેશન હજુ પણ ચાલુ છે."


18 શંકાસ્પદોની ધરપકડ:


અગાઉ, આતંકવાદી હુમલાના અંતર્ગત પૂછપરછ માટે ઓછામાં ઓછા 18 શકમંદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. અધિકારીઓએ શનિવાર (7 જાન્યુઆરી)ના રોજ જણાવ્યું હતું કે, હુમલાખોરોને શોધવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને કેટલીક મહત્વપૂર્ણ કડીઓ મળી આવી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં આ સમગ્ર બાબતનો ઉકેલ આવી જશે.


ડાંગરીમાં આતંકવાદી હુમલો:


તમને જણાવી દઈએ કે 1 જાન્યુઆરીના રોજ ડાંગરી ગામમાં આતંકવાદીઓના હુમલામાં 6 લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ એક ખાસ સમુદાયના સભ્યોના ઘરો પર ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા. બીજા દિવસે IED બ્લાસ્ટમાં બે પિતરાઈ ભાઈઓએ જીવ ગુમાવ્યો. આતંકવાદીઓએ મૃતકોમાંથી એકના ઘરે IED પ્લાન્ટ કર્યો હતો.


'ચાલી રહી છે તપાસ '


એક અધિકારીએ કહ્યું, “આતંકવાદી હુમલાની તપાસ યોગ્ય દિશામાં જઈ રહી છે. અત્યાર સુધીમાં, કેટલીક મહિલાઓ સહિત દોઢ ડઝન એટલેક કે લગભગ 18 જેટલા શંકાસ્પદોને આ સર્ચ ઓપરેશન બાદ પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે.”જમ્મુ કાશ્મીરના રાજૌરીના વરિષ્ઠ પોલીસ અધિકારી મોહમ્મદ અસલમે વાતની પુષ્ટિ પણ કરી હતી કે,  આ ઓપરેશન દ્વારા તેમને ઓછામાં ઓછા 18 શંકાસ્પદો મળ્યા છે જેમની અટકાયત કરવામાં આવી છે.