જયપુરઃ લોકડાઉનના કારણે શાળાઓ બંધ હતી તેથી પૂરેપૂરી ફી માગતી સ્કૂલો સામે વાલીઓનો વિરોધ છે ત્યારે ખાનગી શાળાઓની ફી અંગે રાજસ્થાન હાઇકોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું છે કે. ખાનગી સ્કૂલ ફીનું માત્ર 70 ટકા પેમેન્ટ લઇ શકાશે. આ ઉપરાંત સ્કૂલમાં ભણનારાં વિદ્યાર્થીઓનાં માતા પિતા ફીની ચૂકવણી આગામી વર્ષે 31 જાન્યુઆરી સુધી ત્રણ હપ્તામાં કરી શકશે. આ ચૂકાદો રાજસ્થાન હાઇકોર્ટના જસ્ટિસ એસ પી શર્માએ આપ્યો છે.

ગુજરાતમાં પ ખાનગી સ્કૂલોની ફી અંગે વિવાદ છે ત્યારે આ ચુકાદો ગુજરાત માટે પણ મહત્વનો સાબિત થઈ શકે છે. ગુજરાતમાં આગામી શુક્રવારે ખાનગી સ્કૂલોની ફી અંગેના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે.

રાજસ્થાન સરકારે પણ ગુજરાતની વિજય રૂપાણી સરકારની જેમ કોરોના દરમિયાન શાળા બંધ થઇ ત્યારથી ફી ન વસૂલવા માટે સ્કૂલોને આદેશ આપ્યો હતો. રાજસ્થાન સરકારના આદેશને પડકારતી પ્રાઇવેટ સ્કૂલોની અપીલ પર હાઇકોર્ટે આ આદેશ આપ્યોછે. લગભગ 200 સ્કૂલોએ ત્રણ અલગ અલગ અરજી કરીને રાજસ્થાન સરકારના આદેશને પડકાર્યો હતો. રાજ્ય સરકારના આદેશના લીધે પ્રાઇવેટ સ્કૂલ ફી લઇ શકતી ન હતી. કોરોના સંકટના લીધે રાજસ્થાન સરકારે પ્રાઇવેટ સ્કૂલો ખુલે ત્યાં સુધી ફી વસૂલવા પર રોક લગાવી હતી.