RBI Clarification on 500 Rupees Notes: દેશની કેન્દ્રીય બેંક, ભારતીય રિઝર્વ બેંકે બજારમાંથી 500 રૂપિયાની નોટ ગાયબ થઈ જવાના અહેવાલોને નકારી કાઢ્યા છે અને આ અંગે સ્પષ્ટતા જારી કરી છે. આરબીઆઈએ ગત રોજ એક પ્રેસ રિલીઝ દ્વારા કહ્યું હતું કે તેની સિસ્ટમમાંથી 88,032.5 કરોડ રૂપિયા ગુમ થયાના સમાચાર ખોટા છે. આરટીઆઈથી મળેલી માહિતીના ખોટા અર્થઘટનને કારણે આવું થયું છે. આરબીઆઈએ કહ્યું કે દેશના ત્રણ પ્રિન્ટિંગ પ્રેસમાંથી 500 રૂપિયાની નોટો અંગે આરટીઆઈ હેઠળ આપવામાં આવેલી માહિતીનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.
ગઈકાલે 500 રૂપિયાની નોટો ગુમ થવાના આવ્યા હતા સમાચાર
ગઈકાલે અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવું જણાવવામાં આવ્યું હતું કે મનોરંજન રોયે માહિતી અધિકાર એટલે કે RTI હેઠળ કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા અને તેના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે નવી ડિઝાઈનવાળી 500 રૂપિયાની લાખો નોટો ગુમ થઈ ગઈ છે, તેની કિંમત 88,032.5 કરોડ રૂપિયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશના ત્રણ પ્રિન્ટિંગ પ્રેસે મળીને નવી ડિઝાઇન સાથે 500 રૂપિયાની 8810.65 કરોડ નોટો છાપી હતી પરંતુ રિઝર્વ બેંકને તેમાંથી માત્ર 726 કરોડ નોટો જ મળી હતી. કુલ મળીને રૂ. 500ની 1760.65 કરોડ નોટો ગુમ થઇ છે, જેની કિંમત રૂ. 88,032.5 કરોડ છે.
આ મામલે RBIએ શું કહ્યું?
ભારતીય રિઝર્વ બેંકે તેની પ્રેસ રિલીઝ અને ટ્વિટર પરની પોસ્ટમાં કહ્યું છે કે આરબીઆઈને માહિતી મળી છે કે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં સિસ્ટમમાંથી 500 રૂપિયાની નોટ ગાયબ થઈ જવાના સમાચાર ખોટા છે. પ્રિન્ટિંગ પ્રેસમાંથી મળેલી માહિતીમાં ગેરસમજ થઈ છે અને એ જાણવું જરૂરી છે કે પ્રિન્ટિંગ પ્રેસમાં જે પણ નોટો છપાય છે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ બેંક નોટોના ઉત્પાદન, સંગ્રહ અને વિતરણ પર આરબીઆઈ દ્વારા સંપૂર્ણ પ્રોટોકોલ સાથે દેખરેખ રાખવામાં આવે છે અને આ માટે એક મજબૂત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બધા લોકોએ ફક્ત આરબીઆઇના અહેવાલ પર વિશ્વાસ રાખવો: ચીફ જનરલ મેનેજર, RBI
આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝમાં બેંકના ચીફ જનરલ મેનેજર યોગેશ્વર દયાલ વતી લખવામાં આવ્યું છે કે આવી કોઈપણ માહિતી માટે બધાએ ફક્ત આરબીઆઈ દ્વારા પ્રકાશિત માહિતી પર આધાર રાખવો જોઈએ.