Char Dham Tunnel Crash:ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર દિવાળીના દિવસે એક મોટો અકસ્માત થયો હતો. અહીં નિર્માણાધીન ટનલ તૂટી પડવાને કારણે 40 મજૂરો અંદર ફસાયા છે. કામદારોને બચાવવા માટે આખી રાત બચાવ કામગીરી ચાલુ રહી હતી. 40 લોકોના જીવ બચાવવા હજુ પણ સંઘર્ષ ચાલુ છે. બચાવ કામગીરી માટે મશીનો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઉપરાંત ડ્રીલ મશીનની પણ મદદ લેવામાં આવી રહી છે. વોકી-ટોકી દ્વારા કામદારોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને દરેક જણ ઠીક છે. કામદારોને ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ સાથે જ પાઈપ દ્વારા કામદારોને ખાદ્યપદાર્થોનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે.
ટનલમાં ફસાયેલા કામદારો અલગ-અલગ રાજ્યોના છે. ઉત્તરાખંડ ઉપરાંત ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઓડિશાના કામદારો છે. મળતી માહિતી મુજબ, ફસાયેલા મજૂરોમાં ઉત્તરાખંડના કોટદ્વાર અને પિથોરાધના બે મજૂરોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ઝારખંડના 15, ઉત્તર પ્રદેશના 8, બિહારના 4, ઓડિશાના 5, પશ્ચિમ બંગાળના 3, આસામના 2 અને હિમાચલ પ્રદેશના 1 કામદારનો સમાવેશ થાય છે.
20 મીટર કાટમાળ દૂર; હજુ 40 મીટર બાકી છે
પોલીસ પ્રશાસનની ટીમે ઉત્તરકાશીની સુરંગમાં ફસાયેલા મજૂરોનો સંપર્ક કર્યો છે. પાઈપ દ્વારા કામદારોને ખાદ્યપદાર્થો સપ્લાય કરવામાં આવી રહ્યા છે. કામદારોએ વહીવટીતંત્રને ખોરાક નહીં, ઓક્સિજન આપવાનું કહ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે સુરંગની અંદર 60 મીટર કાટમાળ ફેલાયેલો છે, જેમાંથી અત્યાર સુધીમાં 20 મીટર કાટમાળ હટાવી લેવામાં આવ્યો છે અને લગભગ 40 મીટર કાટમાળ હટાવવાનો બાકી છે.
ડીએમએ અધિકારીઓની રજાઓ રદ કરી
અકસ્માત બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. ઉત્તરકાશી જિલ્લાના ડીએમએ તમામ અધિકારીઓની રજાઓ રદ કરી દીધી છે. ડીએમ અભિષેક રુહેલાએ જિલ્લાના તમામ અધિકારીઓની રજાઓ રદ કરી છે. તમામ અધિકારીઓને તાત્કાલિક તેમના સંબંધિત કાર્યસ્થળો પર પાછા ફરવા અને રાહત અને બચાવ કામગીરી માટે ચોવીસ કલાક તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.
ટનલની બહાર એમ્બ્યુલન્સ તૈનાત
કામદારોને બહાર કાઢવાના સતત પ્રયાસો ચાલુ છે. દરમિયાન, સાવચેતીના ભાગ રૂપે, ટનલની બહાર ઘણી એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે, જેથી બચાવી લેવામાં આવેલા કામદારોને જરૂર પડ્યે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જઈ શકાય. બચાવ કાર્યમાં લાગેલા અધિકારીઓએ જણાવ્યું કે કાટમાળ હટાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ કામદારોને બહાર કાઢવામાં આવશે.