Ahmedabad Accident: અમદાવાદમાં વહેલી સવારે સિંધુ ભવન રોડ પર અકસ્માત થયો છે. મર્સડીઝ ગાડીએ એક સાથે બે ગાડીને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો. સવારના 03: 26 મિનિટે આ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ મર્સિડીઝ અને ઓડી કાર એક બીજા સાથે રેસ લગાવી હતી. આ રેસના ચક્કરમાં એક સાથે બે ગાડીઓનો અકસ્માત થયો હતો. અકસ્માત કરના મર્સિડીઝ કાર રિશીત પટેલ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. રિશીત પટેલ દારૂ પીને ગાડી ચલાવતો હોવાનો જે પરિવાર સાથે અકસ્માત થયો તેઓનો આક્ષેપ છે. રિશીત પટેલના મિત્રોએ દારૂની બોટલ અને ગ્લાસ સગેવગે કર્યાના અહેવાલ છે.
કાર ચાલક રિશીત પટેલ RM બાયોવિસ્ટા કંપનીનો MD છે. અકસ્માત બાદ રિશીતના માણસોએ મારપીટ કર્યાનો આરોપ છે. એટલું જ નહીં અકસ્માત બાદ રિશીતના મિત્રોએ નંબર પ્લેટ કાઢી લીધી હતી. રિશીત 150થી 200ની સ્પીડે કાર ચલાવતો હોવાનો આરોપ છે. નબીરાના પરિવારજનોએ પણ રૂપિયાના નશામાં એલફેલ નિવેદનો કર્યા. સાંજ સુધીમાં છોડાવી લેવાના રિશીત પટેલના પરિવારજનોએ કર્યા નિવેદન.
નોંધનીય છે કે, આ પહેલા તથ્ય પટેલ નામના યુવકે ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને 9 લોકોને કચડ્યા હતા. હાલ તથ્ય પટેલ જેલમાં છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને મોટો ઝટકો લાગ્યો છે. જામીન અરજીને લઈને કોર્ટે તથ્ય પટેલને ઝટકો આપ્યો છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે. જેથી હવે તથ્ય પટેલને જેલમાં જ રહેવું પડશે.
આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ સામેની ટ્રાયલ શરૂ થઈ છે. આરોપીઓ સામે સેશન્સ કેસ નોંધાયો. સેશન્સ કેસ નંબર 115/ 2023થી કેસ નોંધાયો. તથ્ય પટેલને વિડિયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. જેલમાં ઘરનું જમવાનું નહીં મળતું હોવાનું તથ્ય પટેલે ફરી એકવાર ફરિયાદ કરી છે. વકીલને મળવા નહીં દેવાતા હોવાની પણ ફરિયાદ કરી છે. તો બીજી તરફ સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે, જે વકીલનું વકીલ પત્ર રજૂ થયું છે તે વકીલને મળવા દેવામાં આવે છે.