Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકવાનું નામ નથી રહ્યું. રશિયા પર અમિરેકા સહિત યૂરોપિયન દેશોએ અનેક પ્રતિબંધો લાદ્યા છતા તે ઝુકવા તૈયાર નથી. હવે યુક્રેન પર રશિયાના હુમલાના એક મહિના બાદ ગુરુવારે નાટોના નેતાઓ બ્રસેલ્સમાં મળ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ આ બેઠકમાં સામેલ થયા હતા. આ પછી અમેરિકી રાષ્ટ્રપતિએ રશિયા પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો.


 




અમેરિકી રાષ્ટ્રપતિએ ટ્વીટ કર્યું કે, હું યુક્રેનમાં પુતિનના પસંદગીના યુદ્ધના જવાબમાં 400 થી વધુ રશિયન ઉચ્ચ વર્ગના લોકો,સાંસદો અને સંરક્ષણ કંપનીઓ પર વધારાના પ્રતિબંધોની જાહેરાત કરી રહ્યો છું. તેઓ ક્રેમલિનની નીતિઓથી વ્યક્તિગત રીતે લાભ મેળવે છે, અને તેઓએ દુઃખમાં સહભાગી થવું જોઈએ.


જો બાઈડેને નાટો નેતાઓની તસવીર શેર કરતા લખ્યું, અમે રશિયન આક્રમણ સામે લડવા અને યુક્રેનના સ્વ-બચાવના અધિકારને સમર્થન આપવા માટે સુરક્ષા સહાય સાથે યુક્રેનને સમર્થન આપવાનું ચાલુ રાખીશું. મેં આજે નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગ સાથે મુલાકાત કરી અને રશિયાના યુક્રેન પરના બિનઉશ્કેરણીજનક અને ગેરવાજબી આક્રમણ અંગે ચર્ચા કરી હતી. અમે ગઠબંધનની એકતા અને તાકાત ઉપરાંત રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા કરી.


ઝેલેન્સ્કીએ નાટો પર નિશાન સાધ્યું


જોકે, આના થોડા સમય પહેલા જ યુક્રેનના રાષ્ટ્રપતિએ નાટો પર નિશાન સાધ્યું હતું. ઝેલેન્સ્કીએ નાટોને કહ્યું, એવું ન કહો કે યુક્રેનની સૈન્ય એલાયન્સના ધોરણોને પૂર્ણ નથી કરતી.  તેઓ નાટોને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી રહ્યા હતા. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે તેમની એક માંગ છે, રશિયા સામે આ પ્રકારના યુદ્ધ પછી, કૃપા કરીને,અમને ફરી ક્યારેય ન કહેશો કે અમારી સેના નાટોના ધોરણોને પૂરા નતી કરતી. તેમણે કહ્યું કે, ગઠબંધનને હજી  એ સાબિત કરવાનું બાકી છે કે તે લોકોની સુરક્ષા માટે શું કરી શકે છે.