Maharashtra Clash: મહારાષ્ટ્રના રત્નાગીરીમાં બીજેપી નેતા અને પૂર્વ સાંસદ નિલેશ રાણેના કાફલા પર હુમલો થયો છે. માહિતી અનુસાર, પૂર્વ સાંસદ નિલેશ રાણેની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ શુક્રવારે (16 ફેબ્રુઆરી) મહારાષ્ટ્રના રત્નાગિરીમાં ભાજપ અને શિવસેના (UBT) કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી. હંગામો એટલો વધી ગયો કે બાદમાં પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા.


પીટીઆઈના અહેવાલ મુજબ, એક અધિકારીએ જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નીલેશ રાણે ગુહાગરમાં એક રેલીને સંબોધવા જઈ રહ્યા હતા ત્યારે પટપન્હાલે કોલેજ પાસે આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ રાણે અને શિવસેના (UBT)ના નેતા ભાસ્કર જાધવના સમર્થકો એકબીજા સાથેબાખડી પડ્યાં હતા.


નિલેશ રાણેની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો


નિલેશ રાણે અને ભાસ્કર જાધવના સમર્થકો વચ્ચેની અથડામણને કાબૂમાં લેવા માટે પોલીસ ફોર્સ પણ મોકલવામાં આવી હતી. બંને પક્ષના સમર્થકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ વિસ્તારમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે નિલેશ રાણે એક જાહેર સભામાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પર પહેલા કોઈએ પથ્થરમારો કર્યો હતો. ગુહાગર પોલીસ સ્ટેશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, બીજેપી કાર્યકર્તાઓ સ્થળ પર એકઠા થયા હતા, ત્યારબાદ બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં અનેક કાર્યકરો  ઘાયલ થયા છે. પથ્થરમારામાં અનેક વાહનોને નુકસાન થયું હતું.                        


નિલેશ નારાયણ રાણેનો પુત્ર છે?


નિલેશ રાણે પૂર્વ સાંસદ અને ભાજપના નેતા છે. તેઓ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના મોટા પુત્ર છે. નિલેશ રાણે ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેના ભાઈ પણ છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા રાજ્યના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે વિપક્ષની ચીડ સ્પષ્ટ દેખાઈ રહી છે. તેમણે કહ્યું છે કે ચિપલુણ ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એવું કહેવાય છે કે ભાજપના વરિષ્ઠ નેતા નારાયણ રાણે અને શિવસેના યુબીટી ધારાસભ્ય ભાસ્કર જાધવ વચ્ચે પહેલેથી જ રાજકીય મતભેદો છે..