સુરત: સુરત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે.   સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં  10 ઇંચ વરસાદ વરસ્યો છે.  ઉમરપાડાના ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડીતૂર બની છે.  ગોંડલિયા ગામે વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. 


લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક તુટી ગયો છે. વરસેલા ભારે વરસાદને લઇને તંત્ર દોડતું થયું છે.  ચિતલદા ગામેથી વહેતી વીરા નદી 2 કાંઠે થઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ વખત નદીમાં ભરપૂર પાણી આવ્યું છે.  ચિતલદા ગામથી અન્ય ગામના જ ફળિયાને જોડતો રોડ પાણીમાં ગરકાવ થયો છે.  નદીમાં પાણીની આવક થતા રસ્તા પર પાણી ફરી વળ્યાં છે.   ઉમરપાડાથી ઉમરગોટ જતા માર્ગ પર પાણી ફરી વળ્યાં છે.  ખાડી છલકાતા પાણી ફરી વળ્યાં હતા. ઉમરપાડાથી ઉમરગોટ ગામનો સંપર્ક કપાયો છે. 




ઓલપાડ તાલુકામાં સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.  આજે ફરી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે.  ઉમરપાડા તાલુકાના ધાણવડ, કેવડી, ઉમરગોટ સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે.  થોડા દિવસના વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.  


દાહોદ શહેર અને જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ



હવામાન વિભાગની આગાહી વચ્ચે દહોદમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. બસ સ્ટેન્ડ, સ્ટેશન રોડ, વિવેકાનંદ ચોકમાં પાણી ભરાયા છે. મડાવ રોડ, અન્ડરબ્રિજ સહિતના વિસ્તારોમાં  પાણી ભરાયા છે. ઠેર ઠેર ગટરો ઉભરાતા રસ્તા પર  પાણી ફરી વળ્યા છે. અન્ડરપાસમાં  કેડસમા પાણી ભરાતા રસ્તો બ્લોક થઇ ગયો છે



રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના મતે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મોડાસામાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો.


છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં દાહોદ તાલુકામાં અઢી ઈંચ, પંચમહાલના ગોધરામાં દોઢ ઈંચ, મહીસાગરના વીરપુરમાં દોઢ ઈંચ, તાપીના સોનગઢમાં એક ઈંચ, નર્મદાના ગરૂડેશ્વરમાં સવા પાંચ ઈંચ, સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ નર્મદાના તિલકવાડામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.