સુરત: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં ગુજરાતમાં એકપણ તાલુકો વરસાદી પાણી વગર રહ્યો નથી. સોમવારે ગુજરાતમાં સૌથી વધારે ડાંગના વઘઈમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મોસમનો 61.55 ટકા વરસાદ નોંધાયો હતો. ગુજરાતના સાત જિલ્લામાંથી 21,086 નાગરિકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું જ્યારે ફસાયેલા અન્ય નાગરિકોને રેસ્ક્યૂ દ્વારા બચાવવામાં આવી રહ્યા છે.

વરસાદી આંકડાની વાત કરીએ તો સોમવારે સવારે છથી સાંજના છ વાગ્યા સુધી ડાંગના વઘઈમાં 272 એમએમ, નવસારીના વાંસદામાં 221 એમએમ, ડાંગના આહવામાં 144 એમએમ, સુબરીમાં 127 એમએમ, છોટાઉદેપુરના નસવાડીમાં 95 એમએમ, તાપીના વ્યારામાં 87 એમએમ, છોટાઉદેપુરના ક્વાંટમાં 69 એમએમ વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત તાપીના ઉચ્છલમાં 35 એમએમ, નર્મદાના ગરુડેશ્વરમાં 34 એમએમ, તાપીના સોનગઢ, નિઝરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે સમગ્ર જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં.

ગુજરાતમાં વરસાદી બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, અત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિમ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત ગુજરાતના છોટા ઉદેપુર, દાહોદ અને મહિસાગરમાં પણ ભારે વરાસદની આગાહી છે.