સુરત: કોરોના કાળમાં બર્થ ડે પાર્ટીનો તમાશો કરનાર અલ્પેશ કથીરિયા સહિત 14 લોકોનો જામીન પર છુટકારો થયો છે. પાર્ટી યોજનાર કૉંગ્રેસ કોર્પોરેટર નિલેશ કુંભાણી અને અલ્પેશ સહિતના લોકો સામે પોલીસે ગુનો નોંધાયો હતો. એપેડેમીક એકટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. કામરેજ પોલીસ મથક ખાતેથી જામીન મળ્યા છે.


ગુજરાતમાં કોરોનાના કહેરને પગલે રાજ્યના સુરત, વડોદરા, રાજકોટ અને સુરતમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે અને રાત્રિ કર્ફ્યૂ દરમિયાન કોઈ પણ પ્રકારના કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં કર્ફ્યૂ વચ્ચે પાસના નેતા અલ્પેશ કથીરિયાની જન્મ દિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો હતો. અલ્પેશની બર્થડે પાર્ટીનું આયોજન કોંગ્રેસના નેતા અને કોર્પોરેટર નિલેશ કુંભાણીએ કર્યું હતું. અલ્પેશ ઉપરાંત નિલેશની પણ પોલીસે અટકાયત કરી હતી.

પાસ નેતા અલ્પેશ કથિરિયાના જન્મ દિવસની પાર્ટીનું આયોજન કરાયું હતું. ફાર્મહાઉસમાં ડાયરા સાથે ડીજે- જમણવાર સહિતની પાર્ટી કરવામાં આવી હતી. અહીં અલ્પેશ કથીરિયાને સમર્થકોએ ખભા પર બેસાડી લીધો હતો. આ સાથે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. આ સમગ્ર પાર્ટીના વીડિયો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા હતા.