સુરતના કડોદરા નજીક બાઈક-કાર વચ્ચેના અકસ્માતમાં 3 યુવકોનાં મોત, બર્થ-ડેના દિવસે જ યુવકનું મોત
abpasmita.in | 25 Jun 2019 10:15 AM (IST)
ચાલક આ અકસ્માત બાદ કાર ત્યાં જ મૂકીને ભાગી ગયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ 108ને જાણ કરતાં ઈજાગ્રસ્ત અજય અને કિશોરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સુરતના કડોદરા પાસે આવેલા હળદરૂ ગામ નજીક કાર ચાલકે બાઈકને જોરજાર ટક્કર મારી હતી જેમાં ઘટનાસ્થળે એક યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે યુવકોનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત બાક ચાલક કાર મૂકીને નાસી છૂટ્યો હતો. યુવકનો જન્મદિવસ હોવાથી સેલિબ્રેશન માટે અન્ય 2 મિત્રો સાથે ત્રણેય બાઈક પર જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. કડોદરાના જલવા ગામે રહેતા મહેશ પાટીલનો બર્થ-ડે હતો. તે તેના બે મિત્રો અજય પાટીલ અને કિશોર મહાજન સાથે બાઈક પર બર્થ-ડે ઉજવવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન કડોદરાના હળદરૂ ગામ નજીક એક કાર ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતાં તેઓ ફંગોળાઈ ગયા હતા. જેમાં બર્થ-ડે બોય મહેશનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અજય અને કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ચાલક આ અકસ્માત બાદ કાર ત્યાં જ મૂકીને ભાગી ગયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ 108ને જાણ કરતાં ઈજાગ્રસ્ત અજય અને કિશોરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે બંનેને હોસ્પિટલ પહોંચાડવામાં તો આવ્યા પરંતુ ટુંકી સારવાર અંતે બંનેના મોત નિપજ્યાં હતા.