સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં 31 વર્ષીય બેંકર યુવતી ચીઠ્ઠી લખીને અચાકન ઘરેથી ગાયબ થઈ જતાં ચકચાર મચી ગઈ છે. નાની બહેનના નામે ચીઠ્ઠી લખીને યુવતી ગુમ થઈ ગઈ છે. આ અંગે નાની બહેને અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. જોકે, યુવતીનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.

આ અંગેની વિગતો એવી છે કે, મૂળ ઝારખંડની 31 વર્ષીય રજનીકુમારી અડાજણ સ્થિત અંકુર સોસાયટીમાં નાની બહેન રાની સાથે રહે છે. બંને બહેનો નેશનલાઇઝ બેંકમાં નોકરી કરે છે. રજનીકુમારી નાનપુરા શાખામાં નોકરી કરી છે. ગઈ કાલે 7મી જાન્યુઆરીએ બંને બહેનો ઘરેથી નોકરીએ જવા નીકળી હતી, પરંતુ રજનીકુમારી બેંક પર પહોંચી નહોતી. આથી બેંક પરથી તેની નાની બહેનને ફોન કરી રજની નોકરી પર ન આવી હોવાનું જણાવાયું હતું.

આથી રાનીએ તરત મોટી બહેનને ફોન કર્યો હતો, પરંતુ રજનીનો ફોન બંધ આવ્યો હતો. શોધખોળ પછી પણ રજનીનો કોઈ પત્તો લાગ્યો નહોતો, પરંતુ ઘરેથી ફોન અને એક ચીઠ્ઠી મળી આવી હતી. હિંદીમાં લખાયેલી ચીઠ્ઠીમાં રજનીએ જણાવ્યું હતું કે, મુઝે ઢુંઢનેકી કોશિશ મત કરના, ભગવાનને મેરે લિયે દુનિયામાં કોઇ જગહ નહીં બનાઇ ઇસ લિએ દુનિયા છોડ કર જા રહી હું. રાની તુમસે કોઇ પ્રોબ્લેમ નહીં હૈ મુઝે. love you, sorry.

ચીઠ્ઠી વાંચીને ડરી ગયેલી રાનીએ અડાજણ પોલીસને જાણ કરતાં પોલીસે તેને શોધવા તપાસ શરૂ કરી છે. રજનીકુમારીની માર્ચ 2020માં સગાઇ થઇ હતી. જોકે, બાદમાં સગાઇ તુટી ગઇ હતી. આ પછી રજની કુમારી તણાવમાં રહેતી હતી. આ કારણથી રજનીએ ઘર છોડ્યું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.