સુરતઃ શિરડી દર્શન કરી દહાણુ જવા માટે નિકળેલા સુરતના પ્રવાસીઓની બસને મહારાષ્ટ્રના મોખાડા-ત્ર્યંબકેશ્વર રોડ પર અકસ્માત નડતા 6 વ્યક્તિનાં મોત નિપજ્યાં હતાં. બસ ખીણમાં ખાબકતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 45 જેટલા અન્ય પ્રવાસીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. જેમાં 17 ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.



શિરડી સહિતના ધાર્મીક પ્રવાસે નિકળેલા સુરતના પ્રવાસીઓની બસને રવિવારે બપોરે નાસીક નજીક મોખાડા-ત્ર્યંબકેશ્વર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શિરડીથી દર્શન કરી પ્રવાસીઓની બસ દહાણુ જતી હતી. આ દરમિયાન ત્ર્યંબકેશ્વરથી 3 કિલોમીટરના અંતરે તોરંગણ ઘાટમાં અચાનક બસની બ્રેક ફેલ થઈ જતાં બસ 25 ફુટ ઊંડે ખીણમાં ખાબકી ગઈ હતી. આ અકસ્માતમાં 6 વ્યક્તિનાં મોત નિપજ્યાં હતા.



જ્યારે 45 મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા 17 પ્રવાસીઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. મોડે સુધી મૃતકોની ઓળખ થઈ શકી ન હતી. અકસ્માત થતાં હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.