દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં માત્ર ચાર કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે પાણી જ પાણી થઈ ગયું હતું. છેલ્લા 24 કલાકથી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ વરસતો હોવાના અહેવાલ છે.
હવામાન ખાતાની આગાહી મુજબ સુરત, છોટા ઉદેપુર, ઉત્તર ગુજરાતના અરવલ્લી, પંચમહાલમાં આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જો કે અમદાવાદ માટે હવામાન ખાતાની હળવા વરસાદની માંડ આગાહી છે.
દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી શરૂ થયેલા સાર્વત્રિક વરસાદને પગલે તમામ જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને સુરતના ઉમરપાડા તાલુકામાં આજે દિવસ દરમિયાન સાડ છ ઈંચ વરસાદ પડતાં તમામ સ્થળે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી અને રસ્તાઓ ધોવાઈ જતાં વાહનચાલકોએ લાંબા સમય સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સુરત શહેરમાં પણ સિઝનમાં પહેલી વખત ધોધમાર વરસાદ નોંધાતા આજે સવારે સાડા પાંચ વાગ્યાથી સાંજે છ સુધીમાં ચાર ઈંચ જેટલો 92 મી.મી. વરસાદ નોંધાયો હતો.