સુરત: સુરતમાંથી  68.13 લાખનું કાપડ મલેશિયા મંગાવી પેમેન્ટના નામે નનૈયો ભણનાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.રાંદેર ગામના પિતા-પુત્ર અને પુત્રવધુ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.  જેમાં સલાબતપુરા પોલીસે ચીટિંગ કરનાર પુત્ર અબ્દુલની ધરપકડ કરી છે. તબક્કાવાર મળી કુલ 68.13  લાખનો માલ મલેશિયા મોકલી અપાયો હતો. કોરોનાનું બહાનું ધરી પેમેન્ટમાં વિલંબ કરતા હતા. રાજેશભાઇ ખુદ મલેશિયા પેમેન્ટ લેવા ગયા છતાં પેમેન્ટના નામે ઠેંગો બતાવાયો હતો.         


68.13  લાખનું કાપડ મલેશિયા મંગાવી પેમેન્ટના નામે ઠેંગો બતાવ્યો


સલાબતપુરાના કાપડ વેપારી પાસેથી 68.13  લાખનું કાપડ મલેશિયા મંગાવી પેમેન્ટના નામે ઠેંગો બતાવાતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. મુળ રાંદેર ગામના પિતા-પુત્ર અને પુત્રવધુ સામે ગુનો દાખલ થયો છે.સુરતના સલાબતપુરામાં ઇચ્છાદોશીની વાડી ખાતે રહેતા રાજેશભાઇ રિટભાઇ રોટલીવાલા કાપડના વેપારી છે. સાઇ શ્રદ્ધા ફર્મના નામે તેઓ બિઝનેસ કરે છે. વિદેશમાં પણ તેઓ માલ એક્સપોર્ટ કરે છે. તેમના પત્ની ટીનાબેન તથા હિરલ અબ્દુલ કાદીરખાન સાથે ભણ્યા હતા. જેથી હિરલના પતિ અબ્દુલ ખાન સાથે પરિચય થયો હતો.અબ્દુલ ખાન ઇન્ડિયા અને વિદેશમાં હીરાનો વેપાર કરતા હતા. ત્યારબાદ વર્ષ 2018  માં અબ્દુલ કાદીર ખાને મલેશિયા ખાતે શબાન વર્લ્ડ વાઇડ એસ.બી.એન.બી. એચ.ડી. નામની કંપની શરૂ કરી હતી. 




વિદેશમાં ભારતના કાપડની ડિમાન્ડ હોવાની વાત કરી વિશ્વાસ કેળવ્યો


મલેશિયામાં ઇન્ડિયાના કાપડની ડિમાન્ડ હોવાની વાત કરી વિશ્વાસ કેળવ્યો હતો. સારો ફાયદો થશે તેમજ 180  દિવસમાં પેમેન્ટની પણ ખાતરી આપી હતી. દરમિયાન ગત તા.23-08-2019  રોજ 16.69 લાખના ફીનીશ કાપડનો માલ મલેશિયા મોકલી આપ્યો હતો. ત્યારબાદ તબક્કાવાર મળી કુલ 68.13  લાખનો માલ મલેશિયા મોકલી અપાયો હતો. કોરોનાનું બહાનું ધરી પેમેન્ટમાં વિલંબ કરતા હતા. રાજેશભાઇ ખુદ મલેશિયા પેમેન્ટ લેવા ગયા છતાં પેમેન્ટના નામે ઠેંગો બતાવાયો હતો. કોલ કરે તો એલફેલ બોલી ગેરવર્તણૂંક કરતા હતા અને બાદમાં ધાક-ધમકી આપતા હતા. 


પોલીસે પુત્ર અબ્દુલની ધરપકડ કરી


અંતે  ચીટિંગનો અહેસાસ થતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. રાજેશ રોટલીવાલાએ ફરિયાદ આપતા સલાબતપુરા પોલીસે અબ્દુલ કાદીરખાન બશીરખાન, તેના પિતા બશીરખાન અને પત્ની હીરલ સામે  68.13 લાખની છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે. પોલીસે પુત્ર અબ્દુલની ધરપકડ કરી છે.