સુરત: નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. પલસાણા તાલુકાના ચલઠાણ ગામ પાસે આ અકસ્માતની ઘટના સામે આવી છે. મોપેડ પર જઈ રહેલા માતા પુત્રને અકસ્માત નડ્યો હતો. 5મા ધોરણમાં અભ્યાસ કરતા પુત્રને શાળાથી ઘરે લઈ જતા સમયે અકસ્માત સર્જાયો હતો. મોપેડનું બેલેન્સ બગડતા માતા પુત્ર રોડ પર પટકાયા હતા.




જે બાદ પાછળથી આવતા ટેન્કર નીચે પુત્ર કચડાયો હતો. જેથી માતાની નજર સામે જ પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે માતાને પણ સામાન્ય ઈજા પહોંચી છે. સામે આવેલી વિગતો અનુસાર માતા પુત્ર પલસાણાના સાકી ગામના રહેવાસી છે. પુત્રના મોતના કારણે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.


રાજ્યમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા ડામી દેવા ગુજરાત પોલીસ હવે એકશનમાં આવી છે. રાજ્યભરમાં સ્પામાં પોલીસે ચેકિંગ ઝૂંબેશ શરૂ કરી છે.  સુરત, અમદાવાદ, રાજકોટ જેવા મહાનગરો ઉપરાંત ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લામાં પણ પોલીસે કાર્યવાહી કરી છે.  


સુરતમાં SOG, મહિલા પોલીસ અને ક્રાઈમબ્રાંચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી એકસાથે અલગ- અલગ વિસ્તારમાં 50 સ્પામાં દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના સરથાણા, મોટા વરાછા, કાપોદ્રા, અમરોલી, વેસુ, ડુમ્મસ રોડ, પીપલોદ, VIP રોડ, અલથાણ, ભીમરાડ, ડીંડોલી, રાંદેર સહિતના વિસ્તારમાં તપાસ કરાતા સ્પા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


પોલીસે કાર્યવાહી દરમિયાન દેહવિક્રયના ધંધામાં ધકેલાયેલી 30 યુવતીને મુક્ત કરાવી હતી. ભાડાની દુકાનોમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં વિદેશી યુવતીઓને બોલાવી વેશ્યાવૃતિ કરાવવામાં આવતી હોવાની પણ ફરિયાદ ઉઠી છે.


આ તરફ ગીર સોમનાથમાં હોટલ અને સ્પામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા પોલીસે સ્પેશલ ડ્રાઈવ યોજી છે. 21 સ્થળે પોલીસની 10 ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે આ દરમિયાન ક્યાંયથી પણ દેહવ્યાપારની પ્રવૃતિ મળી આવી ન હતી. આ તરફ મોરબીમાં અફીમ સ્પાની આડમાં કૂટણખાનું ધમધમતું હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે સંચાલકની ધરપકડ કરી જ્યારે મુખ્ય સૂત્રધાર મહેશ મેવા ફરાર થઈ ગયો છે. આ તરફ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના 25 જેટલા સ્પામાં તપાસ કરી છે. આ દરમિયાન ત્રણ સ્થળે જાહેરનામાનો ભંગ થતા કાર્યવાહી કરવામાં આવી છે.


મોરબીની માફક જ બોટાદમાં પણ પોલીસના ચેકિંગમાં સ્પાની આડમાં ધમધમતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસે સ્પાના મેનેજર અને અન્ય બે વ્યકિતની ધરપકડ કરી છે. જ્યારે અંકલેશ્વરમાં પાંચ જેટલા સ્થળોએ સ્પામાં પોલીસે તપાસ કરી છે. અહીં ગેરકાયદેસર પ્રવૃતિ ધમધમતી હોવાની ફરિયાદ મળી હતી. જોકે પોલીસના ચેકિંગ દરમિયાન કંઈ હાથ લાગ્યું ન હતું. આ તરફ ભાવનગર પોલીસે વાઘાવડી રોડ પર 20થી વધુ સ્પામાં ચેકિંગ કર્યું છે. જોકે ક્યાંયથી અનૈતિક પ્રવૃતિ ચાલતી ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે.