સુરત: ડાયમંડ સીટી સુરતમાં ફરી એકવાર બેફામ બસે માસુમનો જીવ લીધો છે. શહેરના સહારા દરવાજા પાસે બસ અકસ્માતમાં 7 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું છે. ગત રાત્રે પિતા સાથે જતી વખતે બે ફામ આવેલી બસે ટક્કર મારતા મોપેડ પાછળ બેસેલી માસૂમ બાળકી બસના ટાયર નીચે આવી ગઈ હતી. આ ઘટનામાં પિતા અને અન્ય બે બાળકીનો ચમત્કારી રીતે બચાવ થયો છે. આ અકસ્માત અંગે મહિધરપુરા પોલીસે બસ ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. સુરતમાં અવાર નવાર બસનો કહેર સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પત્નીએ જ પુત્ર સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું, મૃતકના ભાઈના આક્ષેપની ખળભળાટ
રાજકોટ: શહેરના કોઠારીયા હુડકો ચોકડી પાસે મારૂંતીનગરમાં યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગઈકાલે રાકેશ અધ્યારૂ નામના યુવાનની સળગેલી હાલતમાં લાશ મળી હતી. આ અંગે પત્નીએ સાવકા પુત્ર સાથે મળી જીવતો સળગાવ્યાનો મૃતકના ભાઈએ આક્ષેપ લગાવ્યો છે. પ્રેસ ફોટોગ્રાફરનું કાર્ડ ધરાવતા ચોકીદાર અન્ય સ્ત્રી સાથે સબંધ હોવાની શંકાને કારણે પત્નીએ આ પગલુ ભર્યું હોવાનો આક્ષેપ છે. હાલમાં યુવકના મોતને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
મહેસાણાના મુદરડામાં મંદિરમાં સ્પીકર વગાડવા મામલે બે ભાઇઓ પર હુમલો, એકનું મોત
મહેસાણાઃ મહેસાણા જિલ્લાના મુદરડા ગામમાં મંદિરમાં લાઉડસ્પીકર વગાડવા મુદ્દે વિવાદ થતા એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી હતી.
મળતી જાણકારી અનુસાર, મુદરડામાં અજિત ઠાકોર નામનો યુવક પોતાના ઘરના આંગણામાં આવેલા માતાજીના મંદિરમાં દીવો કરી રહ્યો હતો. આ સમયે તે સ્પીકર પર માતાજીના ભજન વગાડી રહ્યો હતો. ત્યારે નજીક રહેતા સદાજી ઠાકોરે સ્પીકર પર ઊંચા અવાજે ભજન કેમ વગાડી રહ્યો છે તેમ કહ્યુ હતું. અજિત અને તેના ભાઈ જસવંત સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં ઉશ્કેરાયેલા સદાજી ઠાકોર સહિત 6 શખ્શોએ લાકડી અને ધોકાથી બંને ભાઈ પર હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ જસવંત ઠાકોરનું મોત થયું હતું.
આ મામલે લાંઘણજ પોલીસે હુમલો કરનાર 6 શખ્સો વિરુદ્ધ હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. મુંદરડામાં રહેતા અજીતજી વીરસંગજી ઠાકોર (46) મંગળવાર સાંજે 7 વાગે નાના ભાઇ જસવંતજી ઠાકોર સાથે ઘરના કમ્પાઉન્ડમાં આવેલા મેલડી માતાજીના મંદિરે દીવો કરી રહ્યો હતો. તે દરમિયાન તેના મહોલ્લાના સદાજી રવાજી ઠાકોરે અજીત ઠાકોરને સ્પીકર કેમ વગાડે છે તેમ પૂછતાં અજીતે માતાજીનો દીવો કર્યો હોવાથી સ્પીકર વાગતાં હોવાનું જણાવ્યું હતું. જેને લઇ ઉશ્કેરાયેલા સદાજી ઠાકોર સહિત 6 શખ્સોએ લાકડીઓ અને ધોકાથી જશવંતજી અને અજીતજીને ઢોર માર માર્યો હતો.