સુરતઃ સુરતમાં તાંત્રિક વિધિના બહાને માતા અને દીકરી પર બળાત્કાર ગુજારનાર તાંત્રિકને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. મળતી જાણકારી અનુસાર શહેરના અઠવામાં માતા-પુત્રી પર દુષ્કર્મ આચરનાર પાપી તાંત્રિકને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. વર્ષ 2017માં 14 વર્ષીય કિશોરી અને તેની માતા પર આ તાંત્રિકે બળાત્કાર ગુજાર્યો હતો. શેખ અકમલ રઝા નામનો આ તાંત્રિક બીમાર લોકોને સ્વસ્થ કરી દેવાનો ઢોંગ કરતો હતો.
પતિ બીમાર હોવાથી તેને સાજા કરવા માટે એક મહિલા પોતાની દીકરી સાથે આ તાંત્રિક પાસે જતી હતી. ત્યારે તાંત્રિક વિધિના બહાને આ નરાધમે મહિલા અને તેની દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. અને જો કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. આખરે આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવતા તાંત્રિકને ઝડપી લેવાયો હતો. આજે આ કેસમાં કોર્ટે તાંત્રિકને આજીવન કેદની સજા સંભળાવી હતી.
વડોદરાઃ પેરોલ પર છૂટેલા આરોપીનો ગજબનો કીમિયો, જીવતે જીવ પોતાનું જ ડેથ સર્ટિફિકેટ બનાવ્યું
ડ્રગ્સના કેસમાં દોષી ગુનેગારે જેલમાંથી પેરોલ પર છૂટી ફરી જેલમાં ન જવું પડે એ માટે ગજબનો કીમિયો અપનાવ્યો છે. પણ આ ભેજાબાજ વડોદરા સાયબર ક્રાઇમના હાથે ઝડપાઇ ગયો છે. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનામાં નોંધાયેલી છેતરપિંડીની એક ફરિયાદમાં શંકાસ્પદ શખ્સની તપાસ કરતા તેની પાસે મોબાઇલ મળી આવ્યો હતો. જેમાં અભિષેક આઝાદ જૈન નામના વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ હતું. આ સર્ટિફિકેટ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ સર્ટિફિકેટ નકલી છે. જેથી અભિષેક જૈન અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક ડ્રગ્સના કેસમાં દોષિત હતો અને તેને મધ્યપ્રદેશની કોર્ટે 12 વર્ષની જેલની સજા ફટકારી હતી.
પેરોલ પર છુટી ખોટું ડેથ સર્ટિફિકેટ બનાવ્યું હતું
આરોપી અભિષેક જૈન આ ગુનામાં સજા ભોગવી રહ્યો હતો અને પેરોલ પર મુક્ત થયો હતો અને તેના થોડા સમય બાદ તેના મૃત્યુનું સર્ટિફિકેટ ઇન્દોરની કોર્ટમાં રજૂ કરી તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ શખ્સ પર ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા વોચ રાખવામાં આવી હતી. જેથી અભિષેક અલિરાજપુર અને વડોદરામાં છુપાઇને રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે અભિષેક જૈન વડોદરા આવ્યો છે અને જેને આધારે સાયબર ક્રાઇમ પોલીસે તેને ઝડપી લીધો હતો, તેમજ ઇન્દોર પોલીસને આ અંગે માહિતી આપી કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.