Surat: સુરતમાં એક મોલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકીભર્યો મેઇલ મળતા ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના વીઆર મોલમાં બ્લાસ્ટ કરવાનો ધમકીભર્યો મેઇલ મળતા મોલને તાત્કાલિક ખાલી કરવાની સૂચના આપી દેવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કામગીરી શરૂ કરી હતી. ડોગ સ્ક્વોર્ડ, બોમ્બ સ્ક્વોર્ડ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ધમકી બાદ આખા મોલને ખાલી કરી દેવામાં આવ્યો હતો. મોલ મેનેજમેન્ટે કર્મચારીઓને બહાર નીકળવાની સૂચના આપી હતી.
મોલમાં બ્લાસ્ટ કરવાની ધમકી મળતાં પોલીસ એક્શન મોડમાં આવી છે. સુરત વીઆર મોલને એક મેઇલ આવ્યો છે, જેમાં લખ્યું હતું કે 'જેટલાને બચાવવા હોય એટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે'. આ મેઇલ મળ્યા બાદ ક્રાઈમ બ્રાંચ, SOG, બોમ્બ-સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચ્યાં હતા. ઉમરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી.
ઘટનાની જાણ થતા મોલની બહાર લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. પોલીસ બોમ્બ સ્કવોડ સાથે મળી મોલના ખૂણે ખૂણે તપાસ કરી રહી છે. વીઆર મોલના કર્મચારીઓએ કહ્યું હતું કે મેનેજમેન્ટે કહ્યું કે મોલમાં કોઈ બોમ્બ મુકી ગયું છે. તાત્કાલિક તમારો સ્ટોર બંધ કરો. આ મેસેજ મળતા જ બધા ગભરાઈ ગયા હતા. ગ્રાહકોને બહાર જતા રહેવા સૂચના આપવામાં આવી હતી. મોલમાં બેથી ત્રણ હજાર લોકો હતા. તમામને બહાર કાઢવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રોએ કહ્યું કે, બોમ્બ બ્લાસ્ટના ધમકી ભર્યા ઈમેઈલ દેશભરમાં 52 જગ્યાએ મળ્યા છે. સુરતના વીઆર મોલમાં બોમ્બ મુક્યો હોવાનો મેઈલ મળતા મોલ ખાલી કરી દેવાયો હતો.