સુરત: સુરતના અઠવા વિસ્તારમાં કાર લઈને નીકળેલા ડ્રાઈવરે પાલિકાના બે સફાઈકર્મી સહિત પાંચ લોકોને અડફેટે લેતા પોલીસ દોડતી થઇ હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. ઉમરા પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં બેફામ દોડતી કારના ચાલકે ચારથી પાંચ જેટલા લોકોને અડફેટે લેતા ઇજાગ્રસ્ત તમામને સારવાર અર્થે સુરતની નવી સિવિલ અને અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે કાર ચાલકને લોકોએ ઝડપી પોલીસના હવાલે કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કારનો ચાલક દારૂના નશામાં ધૂત હતો. જેના કારણે અકસ્માતની આ ઘટના બની હતી.જે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના ઉમરા પોલીસ મથકની હદમાં બેફામ દોડતી ફોર વ્હીલ કારના ચાલકે ચારથી પાંચ જેટલા લોકોને અડફેટે લેતા અકસ્માતની ઘટના બની છે. ઉમરા પોલીસ મથક અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અઠવા વિસ્તારમાં આવેલ આદર્શ પછાત સોસાયટીમાં પૂરપાટ ઝડપે દોડી આવેલી કારના ચાલકે મનપાના બે સફાઈ કર્મચારી સહિત ચારથી વધુ લોકોને અડફેટે લીધા હતા.
આ ઘટના બનતાની સાથે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. સ્થાનિક લોકો દ્વારા કાર ચાલકને ઝડપી પાડી ઘટનાની જાણ ઉમરા પોલીસને કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત સુરત મનપાના બે સફાઈકર્મીઓ સહિત ચારથી વધુ લોકોને સારવાર અર્થે સુરતની નવી સિવિલ અને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.
ઈજાગ્રસ્તોમાં એક વ્યક્તિને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જેની પણ હાલ સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગે પોલીસે કાર ચાલક સુરેશ અઠાવલેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરેશ આઠવલે સુરતના નિવૃત્ત આર્કિટેકના ત્યાં કાર ચાલક તરીકે કામ કરે છે. આજ રોજ લોટ દળવા માટે તેને મોકલવામાં આવ્યો હતો.જ્યાં મોપેડ લઇ જવાના બદલે પોતે આર્કિટેકની કાર લઈ નીકળી પડ્યો હતો. જે દરમિયાન આ ઘટના બની હતી. ચાલક મોડે સુધી ઘરે નહિ પહોંચતા આર્કિટેક ઉમરા પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં ફરિયાદ કરવા પહોંચેલા કાર માલિકને ઘટનાની જાણ થઈ હતી. ઉમરા પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.