સુરતમાં ધોરણ 12ની વિદ્યાર્થિની સાથે છેડતી થયાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ડિંડોલી વિસ્તારમાં ટ્યુશન જતી વિદ્યાર્થિની સાથે છેડતી કરવામાં આવી હતી. આ મામલે આરોપી રાહુલ પાટીલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.


પોલીસ ફરિયાદ અનુસાર, ધોરણ 12માં અભ્યાસ કરતી પીડિતા ટ્યુશન જઇ રહી હતી તે દરમિયાન આરોપી રાહુલ તેની પાસે આવ્યો હતો કે તેનો હાથ પકડીને  "મારી સાથે કેમ નથી બોલતી "તેવું કહી લાફા ઝીંકી દીધા હતા. આરોપીએ કહ્યું હતું કે ‘તું મારી સાથે કેમ વાત કરતી નથી અને મને ગાલ પર તમાચા માર, પણ તું મારી સાથે વાત કરજે, નહી તો હું મરી જઇશ અથવા તો તને મારી નાખીશ’. આરોપી છેલ્લા કેટલાક દિવસથી પીડિતાનો પીછો કરી હેરાન કરતો હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી.


એટલું જ નહી આરોપી રાહુલ વિદ્યાર્થીનીને જો તે વાત નહિ કરે તો મરી જવાની પણ ધમકી આપતો હતો. આરોપી રાહુલથી કંટાળીને પીડિતાએ આ વાત તેના માતા પિતાને કરી હતી. બાદમાં આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આરોપી રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.  ડિંડોલી પોલીસે આરોપી રાહુલ પાટીલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


અન્ય એક ઘટનામાં સુરતમાં એક યુવતીને લગ્નની લાલચે હવસનો શિકાર બનાવવા મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામા આવી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ગોપીપુરાની યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે 34 વર્ષીય અમિત મહેતાએ તેને લગ્નની લાલચ આપીને હવસનો શિકાર બનાવી હતી.


પીડિતાએ કહ્યું કે તે અને અમિત એક મેટ્રિમોનિયલ સાઈટના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. અમિત મહેતા હરિયાણાનો રહેવાસી છે. અમિતે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને અમિતે ગાંધીનગરમાં નોકરી અને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. જોકે થોડા સમય બાદ આરોપી અમિત અચાનક ગુમ થઇ ગયો હતો. ફરિયાદમાં યુવતીએ કહ્યું કે તેને યુવકને શોધવા માટે હરિયાણા ગઇ હતી જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે અમિત પહેલેથી પરિણીત છે. હાલમાં આ કેસમાં પોલીસે અમિત મહેતા નામના શખ્સ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો.