સુરત: પુણા વિસ્તારમાં રહેતો કમ્પ્યુટર એન્જિનિયર એક મહિના પહેલા માર્કશીટ લેવા માટે ગાંધીનગર ખાતે ગયો હતો. ત્યારબાદ તે ઘરે પરત ન ફરતા પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે. સુરત બસ સ્ટેન્ડ પરથી ગુમ થવાની મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. 1 મહિને પણ ભાળ ન મળતા આજે પરિવાર પોલીસ કમિશનર કચેરી બહાર રસ્તા પર ઉતરી આવ્યું હતું અને દીકરાને પરત લાવવા માટે રજૂઆત કરી હતી. 


કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરતો કેયુર ભાલાળા ગાંધીનગર ખાતે અભ્યાસ કરી રહ્યો હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ ચાર મહિનાથી સુરતમાં રહેતો હતો. પરીક્ષાનું પરિણામ આવતા ગાંધીનગર ખાતે 24 તારીખે રાતે સુરત સ્ટેશનેથી નીકળ્યો હતો. 26 તારીખથી ફોન સ્વીચ ઓફ આવવાનું શરૂ થયું હતું. ત્યારબાદ આજ દિન સુધી કેયુરનો કોઈ પણ સંપર્ક થયો નથી.કેયુર ભાલાળા ગાંધીનગર માર્કશીટ લેવા માટે ગયો હતો પરંતુ વાત એ છે કે તેણે માર્કશીટ લીધા પહેલા જ તે મુંબઈ જવા માટે નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે.


 મુંબઈ માટેની ટિકિટ તેણે ઓનલાઈન બુક કરાવ્યું હોવાના પુરાવા પણ સાથે લાગ્યા છે. કેયુર ભાલાળા અચાનક મુંબઈ શા માટે જઈ રહ્યો હતો તે બાબતે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. કેયુર ભાલાળા ગુમ થતાની સાથે જ પરિવારજનોએ પણ તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન તેમણે તમામ ગાંધીનગરથી મુંબઈ તરફની હોટલોની તપાસ કરતા નવસારી નજીકની એક હોટલમાં સીસીટીવી ફૂટેજમાં દેખાયો હોવાનો પરિવારો જણાવ્યું હતું. સીસીટીવીમાં એકલો જણાઈ આવ્યો હતો. પરંતુ શંકાએ વાતની ઉભી થઇ રહી છે કે તે એકલો હતો કે અન્ય કોઈની સાથે મુંબઈ જઈ રહ્યો હતો તે અંગેની કોઈ માહિતી મળી નથી.


એક મહિના કરતાં વધુ સમય પસાર થઈ ગયા બાદ પણ કેયુર ભાલાળાની કોઈ માહિતી ન મળતા આખરે પરિવારજનો પોલીસ કમિશનર કચેરીએ મોરચા સ્વરૂપે પહોંચ્યા હતા. કેયુર ભાલાળાની માતા અને તેના પરિવારના સભ્યો તેમજ સમાજના લોકો ન્યાયની અપેક્ષા સાથે પહોંચ્યા હતા. મુંબઈ ખાતેથી એક મૃતદેહ મળ્યો છે અને ત્યાંથી જ કેયુરનો આઈકાર્ડ પણ મળ્યો હોવાની વાત મળી રહી છે. મહીધરપુરા પોલીસે અત્યાર સુધી કોઈ નક્કર કામગીરી ન કરતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.


કેયુરની માતા પ્રભાબેનને જણાવ્યું કે મારો પુત્ર ગાંધીનગરમાં ભણતો હતો અને ત્યાં માર્કશીટ લેવા ગયો હતો પરંતુ તે પરત ફર્યો નથી. 24-25 તારીખે ફોન ઉપર વાત કરી હતી પરંતુ 26 તારીખથી તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો એટલે અમારી ચિંતા વધી છે. એક મહિનાને બે દિવસ જેટલો સમય થઈ ગયો છે પરંતુ મારા દીકરાની કોઈ માહિતી મળી નથી.