સુરત: શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી અન્ય યુવક સાથે ભાગી જતા યુવતીની બહેનપણી નિર્વસ્ત્ર કરી ઢોર માર મારવામાં આવ્યો.જેના કારણે યુવતીએ એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો. આટલી મોટી ઘટના છતાં ડીંડોલી પોલીસ દ્વારા મૃતક યુવતીના પરિવારની ફરિયાદ લેવામાં આળસ કરી રહી હોવાના આક્ષેપ મૃતકના પરિવારે કર્યા છે.જ્યાં ન્યાયની માંગ સાથે ગરીબ પરિવારે પોલીસ કમિશનરના દ્વાર ખખડાવી આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.


સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલ શ્રદ્ધા સોસાયટીમાં રહેતા અને કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા વિષ્ણુકુમાર બદરીલાલ તૈલી પોતાની પત્ની અને બાળકો સાથે ન્યાયની માંગ લઈ અઠવાલાઇન્સ સ્થિત પોલીસ કમિશનર કચેરીએ પોહચ્યા હતા.જ્યાં કમીશ્નર કચેરીમાં પરિવારે લેખિતમાં ફરિયાદ આપી આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. વિષ્ણુકુમાર બદરીલાલ તૈલીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભરત મોરે અને શાંતારામ મોરેએ મારી દીકરીનું અપહરણ કર્યું હતું.ત્યારબાદ બંધ ઘરમાં બંધક બનાવી નિર્વસ્ત્ર કરી માર માર્યો હતો. જેના કારણે મારી દીકરીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.


દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જ્યાં દીકરીનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.શાંતારામ મોરેની દીકરી અન્ય કોઈ વ્યક્તિ જોડે ભાગી ગઈ હતી.જેને ભગાવવામાં મારી દીકરીનો હાથ હોવાની શંકા રાખી અસહ્ય માર મારવામાં આવ્યો હતો. દીકરીનું સુરત સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં પણ ઘણો વિલંબ કરવામાં આવ્યો હતો.આ બાબતે ડીંડોલી પોલીસને લેખિતમાં રજુવાત કરી છતાં શાંતારામ મોરે,ભરત મોરે સહિતના શખ્સો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ડીંડોલી પોલીસ મથકના પીઆઇને પણ ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા છે.પરંતુ પોલીસ આ મામલે ફરિયાદ નોંધવા તૈયાર નથી. જ્યાં ન્યાયની માંગ સાથે સુરત પોલીસ કમિશનર કચેરીએ લેખિતમાં ફરિયાદ આપી રજુવાત કરવામાં આવી છે.


પરિવારએ કરેલા ગંભીર આક્ષેપો અંગે ડીંડોલી પોલીસ મથકના આર.જે.ચુડાસમાએ જણાવ્યું હતું કે,સમગ્ર ઘટના 22 જુનની છે.જ્યાં પરિવારની યુવતીએ સોસાયટીમાં રહેતા અન્ય પરિવારની યુવતીને ભગાવવામાં મદદરૂપ બની હતી. જેની તપાસમાં પણ યુવતીના મોબાઈલ નંબર પરથી વોટ્સએપ ચેટ મળી આવી હતી. જેના કારણે યુવતીની પુછપરછ કરવામાં આવી હતી.જે બાદ યુવતીએ અગમ્ય કારણોસર એસિડ ગટગટાવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાના સમયે પરિવારજનો દ્વારા આવા કોઈ આક્ષેપો કરવામાં આવ્યા નહોતા કે યુવતીને માર મારવામાં આવ્યો છે. 


આ દરમિયાન સારવાર હેઠળ રહેલી યુવતીનું બે દિવસ અગાઉ હોસ્પિટલના બિછાને લાંબી સારવાર બાદ મોત નિપજ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવતીને માર મારવામાં આવ્યો હોય,તેવા કોઈ નિશાન મળી આવ્યા નથી.પરિવારે કરેલા આક્ષેપો તથ્ય વિહોના પણ હોઈ શકે છે.પરંતુ તેમ છતાં આ મામલે ડીંડોલી પોલીસ તપાસ કરી રહી છે. જો પુરાવા મળશે તો આરોપીઓ વિરુદ્ધ 306 હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક દીપિકા તૈલીના પરિવારે શાંતારામ અને ભરત મોરે સહિતના શખ્સો વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. જે હાલ પોલીસ માટે હાલ તપાસનો વિષય બની રહે છે.જ્યાં પરિવારે કરેલ આક્ષેપો કેટલા તથ્ય છે તે પોલીસ તપાસના અંતે બહાર આવશે.