SURAT : સુરત જિલ્લાના  ગ્રામ્ય વિસ્તારમાંથી ફરી એકવાર મોટી માત્રામાં બાયોડીઝલ ઝડપાયું છે. કામરેજ તાલુકાના નવી પારડી ગામે કામરેજ પોલીસે દરોડા પાડી 32 લાખથી વધુની કિમતનું બાયોડીઝલ અને વાહનો અને સાધન સામગ્રી મળી 48 લાખથી વધુનો મુદ્દમાલ કબજે કર્યો છે. પોલીસે ઘટનાસ્થળ પરથી 2 લોકોની અટકાયત કરી છે જયારે મુખ્ય આરોપી હાલ પોલીસ પકડથી દુર છે. 


43 હજાર લીટર જેટલો બાયોડીઝલનો જથ્થો ઝડપાયો 
સુરત ગ્રામ્ય વિસ્તારમાં પ્રતિબંધિત બાયોડીઝલનું દુષણ અટકવાનું નામ નથી લેતું અને પોલીસે પણ આ દુષણને નાથવા માટે જાણે કમર કસી લીધી છે. હાલ ત્રણ દિવસ પહેલા માંડવીના કરંજ GIDC વિસ્તારમાંથી દોઢ કરોડથી વધુનું બાયો ડીઝલ બનાવવાનું કેમિકલ ઝડપાયું હતું અને ગઈકાલે 17 જૂને રાત્રે ફરીથી કામરેજ પોલીસે કામરેજ તાલુકાના નવી પારડી ગામે આવેલા સન સાઈન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર-55માં આવેલા ગોડાઉન માંથી 43 હજાર લીટર જેટલો બાયોડીઝલનો જથ્થો ઝડપી પડ્યો છે. પોલીસે ઘટના સ્થળે થી 3 પીક અપ ટેમ્પા તેમજ અન્ય સાધન સામગ્રી મળી 48 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે 


પોલીસને મળી હતી બાતમી 
કામરેજ પીઆઈ આર.બી. ભટોળ ને બાતમી મળી હતી કે કામરેજના નવી પારડી ખાતે આવેલા સન સાઈન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર-55માં ગેર કાયદેસર બાયો ડીઝલનો વેપલો ચાલી રહ્યો છે.  પ્લોટ નંબર-55માં અલગ અલગ મિશ્રણ ભેગું કરી બાયોડીઝલ બનાવવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ આ મિશ્રણ ને 220 લીટરના ડ્રમમાં ભરી પીકઅપ ટેમ્પામાં હાઈવે પર લઇ જઈ ટ્રક ચાલકોને વેચવામાં આવી રહ્યું છે.


2 આરોપીઓની ધરપકડ, મુખ્ય આરોપી વોન્ટેડ જાહેર 
આ બાતમીના આધારે કામરેજ પોલીસે ગઈકાલે રાત્રે દરોડા પડ્યા હતા અને ગોડાઉન અંદરથી 5000 લીટરની તેમજ 2000 લીટરની અલગ અલગ ટાંકીઓમાં ભરેલું પ્રવાહી ઝડપી પડ્યું હતું. પોલીસે ઘટના સ્થળે થી 2 ઈસમોની અટકાયત પણ કરી છે જયારે બાયો ડીઝલના વેપલાનો નો મુખ્ય સુત્રધાર હાલ ફરાર છે જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.