સુરત: ફિલ્મ અભિનેતા સોનુ સુદ પોતાના સેવાકિય કાર્યો માટે જાણીતો છે. અભિનેતાએ કોરોનાકાળમાં લાખો લોકોની મદદ કરી હતી. તેમની સેવાની સરવાણી હજી પણ ચાલું છે. હાલમાં જ સોનુ સૂદ દ્વારા સુરતની કિરણ હોસ્પિટલમાં એક બાળકીને ઓપરેશન માટે મોકલવામાં આવી હતી. આ બાળકી 4 હાથ પગની સમસ્યાથી પીડિત હતી, હવે કિરણ હોસ્પિટલ દ્વરા બાળકીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. નોંધનિય છે કે, સોનુ સુદ ફાઉન્ડેશન દ્વારા આ બાળકીનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લેવામાં આવી હતી પરંતુ સુરત કિરણ હોસ્પિટલે એક પણ રૂપિયો ખર્ચ લીધા વગર મફતમાં જટિલ ઓપરેશન પાર પાડ્યું. તમને જણાવી દઈએ કે, આ  ઓપરેશનમાં અંદાજે 10થી 15 લાખનો ખર્ચ થાય છે.


 






આ અંગે વિગતે વાત કરીએ તો, સુરત કિરણ હોસ્પિટલમાં ખુબ જ જટિલ ઓપરેશન સફળ થયું છે. 4 હાથ અને પગ ધરાવતી અઢીવ વર્ષની બાળકીનું સુરતની કિરણ હોસ્પિટલ ખાતે ઓપરેશન કરવામાં આવ્યું છે. ફિલ્મ સ્ટાર સોનુ સૂદે બાળકીના ઓપરેશન માટે કિરણ હોસ્પિટલની પસંદગી કરી હતી. 4 હાથ-પગ સાથે જન્મેલી બિહારની અઢી વર્ષીય બાળકીની સુરતમાં સફળ સર્જરી કરાવી છે. સર્જરી કરવામાં ડોક્ટરોની ટીમને 7 કલાકનો સમય લાગ્યો હતો. બિહારમાં 4 હાથ અને 4 પગ સાથે જન્મેલી બાળકીનું કિરણ હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાળકીના ઓપરેશનનો તમામ ખર્ચ સોનુ સુદ ઉઠાવનાર હતા.પરંતુ કિરણ હોસ્પિટલમાં આ ઓપરેશન ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવ્યું છે.


અઢી વર્ષની ચહુંમુખી કુમારી બિહારના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામની રહેવાસી છે. બાળકીને સોનુ સૂદના કહેવા પર 30મી મેના રોજ સુરતની કિરણ હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવી હતી. તબીબોની ટીમ દ્વારા ચહુંમુખીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના ડોક્ટર મિથુન અને તેમની ટીમે લગભગ 7 કલાકમાં સફળ સર્જરી કરી હતી. બાળકીનો ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. બાળકીને 4 પગ, 4 હાથ છે અને પરિવાર પાસે સારવાર માટે રૂપિયા ન હોવાની વાત સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ હતી. આ વાત સોનુ સુદ સુધી આવી હતી. તેથી અભિનેતા સોનુ સૂદે બાળકીના ઓપરેશનની જાહેરાત કરી હતી. હવે સુરતમાં બાળકીની સફળ સર્જરી કરાઈ છે. હોસ્પિટલના ડોક્ટરે કહ્યું હતું કે, બાળકીને હજુ થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે. ત્યારબાદ તે એક સામાન્ય બાળકીની જેમ હોસ્પિટલમાંથી બહાર આવશે અને સામાન્ય બાળકોની જેમ જીવી શકશે.