સુરત: શહેરના ખજોદ વિસ્તારમાં આવેલા ડાયમંડ બુર્સ પાસે મજુરી કામ કરતા પરિવારની બે વર્ષીય બાળકીને શ્વાનોએ બચકાં ભરતા ગંભીર રીતે ઘાયલ થઈ છે. ઘાયલ બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બાળકીને ત્રણથી ચાર શ્વાનોએ શરીરના વિવિધ અંગો પર ૩૦ થી ૪૦ બચકાં ભર્યાના નિશાન છે. બાળકીને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપી સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી છે. ઘટનાને પગલે પરિવારમાં ડરનો માહોલ છે.

તબીબોએ બાળકીને જરૂરી સારવાર આપી સર્જરી વિભાગમાં દાખલ કરી

સુરતમાં શહેરમાં ફરી એક વખત બાળકોને શ્વાનોએ બચકાં ભર્યા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ખજોદ ડાયમંડ બુર્સ પાસે રહેતા અને મજુરી કામ કરતા પરિવારની બે વર્ષની બાળકી રમી રહી હતી તે વેળાએ ત્યાં ૩ થી ૪ જેટલા શ્વાનોએ બાળકીને બચકાં ભર્યા હતા બીજી તરફ બાળકીને શ્વાનોએ બચકાં ભર્યા હોવાની જાણ પરિવારને થતા પરિવાર બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યો હતો જ્યાં તબીબોએ બાળકીને જરૂરી સારવાર આપી સર્જરી વિભાગમાં દાખલ કરી છે. 

બાળકીના શરીરે ૩૦ થી ૪૦ જેટલા બચકાં ભર્યાના નિશાન જોવા મળ્યા

આ અંગે ડો. તેજસ ચૌહાણે જણાવ્યું હતું કે, આજે સવારે ૧૦ વાગ્યાની આસપાસ પરિવાર બાળકીને સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા. જેમાં ખજોદ ડાયમંડ બુર્સ પાસે બે વર્ષની બાળકીને શ્વાનોએ શરીરના વિવિધ ભાગે બચકાં ભર્યા છે. બાળકીના શરીરે ૩૦ થી ૪૦ જેટલા બચકાં ભર્યાના નિશાન છે. બાળકીને છાતી, માથાના, હાથ, પગ સહિતના શરીરના અંગો પર શ્વાનોના બચકાં ભર્યા છે. બાળકીને તાત્કાલિક સારવાર આપી સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી છે. 

પરિવારે સિવિલ હોસ્પિટલમાં હૈયાફાટ રુદન કર્યું

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા વરાછા અને ત્યારબાદ વેડરોડ વિસ્તારમાં શ્વાનોએ લોકોને બચકાં ભર્યા હોવાની ઘટના સામે આવી હતી ત્યારે વધુ એક ઘટના ખજોદ વિસ્તારમાં સામે આવી છે. હાલ બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બાળકીની હાલત જોઈ પરિવારે સિવિલ હોસ્પિટલમાં હૈયાફાટ રુદન કર્યું હતું. રાજ્યમાં વિવિધ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ તો હજુ બંધ નથી થયો ત્યાં શ્વાનોનો આતંક વધતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.