Online Loan Company: રાજ્યમાં ઓનલાઈન ફ્રોડના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. કોઈના કોઈ પ્રકારે ઢગબાજો સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યા છે. હવે સુરતમાં વધુ એક યુવક ફ્રોડ ઓનલાઇન લોન કંપનીનો શિકાર બન્યો છે. ઓનલાઇન લોન કંપનીના ધમકી ભર્યા કોલથી હેરાન થઈ યુવકે આપઘાત કરી લીઘો છે. 28 વર્ષીય યોગેશ અગ્રવાલે ઝેર પીને જીવન ટૂંકાવી લીધું છે. મૃતક યોગેશ પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. 


આ અંગે સામે આવેલી વિગતો અનુસાર યોગેશે લોન કંપની પાસેથી 7 હજાર રૂપિયાની લોન લીધી હતી. લોનના રૂપિયા સહિત 3500 વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં કંપની તરફથી હેરાનગતિ કરવામાં આવતી હતી. કોલ કરીને ધમકી આપવામાં આવતી હતી. એટલું જ નહીં પરિવારને પણ ધમકી ભર્યા કોલ આવ્યા હોવાનો ઉલ્લેખ સ્યુસાઈડ નોટમાં કરવામાં આવ્યો છે. પરિવારને બચાવવા માટે આત્મહત્યા કરી લીધી હોવાનો નોટમાં ઉલ્લેખ છે. લોન કંપની સામે પગલાં લેવા માટે યોગેશે સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.


ARVALLI : ભિલોડાના ગ્રામ્ય પંથકમાં સગીર બાળકી પર સામુહિક બળાત્કારથી ચકચાર
Aravalli News : અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં સગીર બાળકી પર સામુહિક બળાત્કારની ઘટના સામે આવી છે. આ સગીર બાળકીને ત્રણ શખ્સો રીક્ષામાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા અને બાદમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાના આરોપો લાગ્યા છે. આ સગીરાની માતાએ ઘટના અંગે ભિલોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણ શખ્સો સામે સામુહિક બળાત્કારનો  ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ત્રણ હવસખોરોને ઝડપી પાડવા જિલ્લા એસઓજી ,એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોડની ટિમો કામે લાગી છે.સગીર બાળકી ઉપર ગેંગ રેપની ઘટનાથી લોકોમાં રોષ ફેલાયો છે. 


અમદાવાદમાં  ગેંગરેપ પિડિતાએ કર્યો આપઘાતનો પ્રયાસ
અમદાવાદમાં  ગેંગરેપ કરનાર આરોપીઓની ધમકીથી કંટાળીને પિડિતાએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. વર્ષ 2020માં બનેલી ગેંગરેપની ઘટનામાં જેલહવાલે કરાયેલા આરોપીઓ મારી નાખવાની ધમકી આપતા યુવતીએ પગલું ભર્યું છે.  મોડી રાત્રે યુવતીએ ઊંઘની સંખ્યાબંધ ગોળીઓ ખાઈ લેતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ બાબતે પોલીસ પાસે યુવતીએ આરોપીઓ તરફથી મળતી ધમકીના પગલે અનેક વખત મદદ માંગી હતી પણ મદદ ન મળતા તેણે આ પગલું ભર્યું.


પીડિત યુવતી આજે સમગ્ર મામલાને હાઇકોર્ટમાં રજુઆત પણ કરવાની હતી જોકે તે પહેલા જ તેણે આ પગલું ભર્યું. પિડિતા પર 8 તારીખના રોજ રાજ્યના પાટનગર ગાંધીનગરમા હુમલો પણ થયો હતો. ગત રાત્રીએ  પિડિતા દ્વારા વિડિયો બનાવી અને આપઘાતનો પ્રયાસ કરવા મામલે વસ્ત્રાપુર પોલીસે જાણવાજોગ નોંધ કરી હોવાનું સામે આવ્યુ છે.તો આ તરફ કોર્ટે આપેલા શરતી જામીનનો ભંગ કરી આરોપીઓ પીડિતા પર દબાણ કરતા હોવાથી તેમના જામીન રદ્દ  કરવા કોર્ટમાં કાર્યવાહી કરવાની તજવીજ પીડિતાના વકીલે શરૂ કરી છે.