Gujarat Election 2022: સુરત પૂર્વ વિધાનસભા બેઠક પર આપને વધુ એક ઝટકો લાગ્યો છે. આપ ઉમેદવાર કંચન જરીવાલાએ પહેલાં પોતાની ઉમેદવારી પરત ખેંચી. હવે આપના ડમી અપક્ષ ઉમેદવાર સલીમ મુલતાનીએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી સુરત પૂર્વ વિધાનસભાની બેઠક પરથી આપના ઉમેદવાર બાદ અપક્ષની પીછેહઠ થઈ છે.


કંચન જરીવાલાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ તેમના ડમી તરીકે સલીમ મુલતાનીએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું. પરંતુ ચૂંટણી પંચના નિયમ મુજબ મેન્ડેટ નહીં હોવાના કારણે સલીમ મુલતાની આપના બેનર હેઠળ ચૂંટણી લડી નહીં શકે એમ હોવાથી અપક્ષ ઉમેદવાર તરીકે તેમનો ઉમેદવારી પત્ર મંજુર કરવામાં આવ્યું હતું. જો કે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ડમી અને અપક્ષ ઉમેદવાર સલીમ મુલતાનીએ પોતાનો ઉમેદવારી પત્ર પાછુ ખેંચી લીધું અને કહ્યું કે પાર્ટીએ અપક્ષમાંથી ફોર્મ પાછું ખેંચી લેવા જણાવ્યું છે.


નોંધનીય છે કે, આ પહેલા આમ આદમીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી બાદ આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ આ મામલે ભાજપ પર આરોપ લગાવતાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ભાજપ દ્રારા ધાક ધમકી આપીને તેમને ફોર્મ પરત લેવડાવવા માટે મજબુર કરવામાં આવ્યાં હતા. તેઓ સવારથી જ ગૂમ હતા.અને તેમને શોધતા હતા. તેમણે કહ્યું કે, જનસેવાની ભાવનાથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કંચનભાઇને ખૂબ જ માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો અને જેના કારણે તેમણે દુ;ખી હૃદયે ફોર્મને પરત ખેંચ્યું છે.


ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે. આ દરમિયાન સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સુરત પૂર્વના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાને ભાજપે કીડનેપ કર્યા હોવાનો આરોપ રાઘવ ચઢ્ઢાએ લગાવ્યો હતો.


રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, તેઓ ભાજપના ગુંડાઓથી પરેશાન હતા. ભાજપમાં એટલો ડર છે કે હવે તેઓએ સરેઆમ આપના ઉમેદવારના અપહરણ કરવાના શરૂ કર્યા છે. ભાજપના ગુંડાઓએ દબાણ કર્યું હતું કે, તમે નામાંકન રદ્દ કરો અને ઉમેદવારી પરત ખેચો. ઉમેદવારી પાછી ખેચવા માટે દબાણ કરતા ભાજપના ગુંડાઓની વાત ન માનવાથી તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. કોઈ અજાણી જગ્યા પર તેમને લઈ જવામાં આવ્યા છે, તેમનું લોકેશન કોઈને ખ્યાલ નથી , તેમનો ફોન બંધ આવે છે. આ અંગે ચૂંટણી પંચમાં લેખિત ફરીયાદ કરવામાં આવી છે. કંચનજીના પરિવાર પર દબાણ કરવામાં આવી રહ્યું છે. 


ચૂંટણીપંચ દ્વારા જારી કરવામાં આવેલા નિયમો અનુસાર શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીએ ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવાર, તેમના પર નોંધાયેલા ગુના, ટિકિટ આપવાનું કારણ અને એકપણ ગુનો નહીં ધરાવતા દાવેદારને સ્થાને આ ગુનાઈત ઉમેદવાર જ કેમ તેની વિગતો જારી કરી છે. જેમાં ભાજપે આ ગુનાઈત ઉમેદવારના ક્રિમિનલ બેકગ્રાઉન્ડ કરતાં તેની  'લોકપ્રિયતા' નું બહાનું રજૂ કર્યું છે.