સુરત: શહેરમાં મોબાઈલ સ્નેચર બેફામ બન્યા છે. સુરતના કાપોદ્રા ચાર રસ્તા ખાતે મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી છે. યુવક ફોન પર વાત કરતો હતો ત્યારે બાઈક ચાલકોએ મોબાઈલની ચીલ ઝડપ કરી હતી. વહેલી સવારે સૌરાષ્ટ્રથી આવેલી બસમાંથી યુવક સુરત આવ્યો હતો. મોબાઈલ સ્નેચરો બસની વોચ રાખી રહ્યા છે તેથી બસમાંથી ઉતરતા પહેલા ચેતવું જરૂરી છે.
મોબાઈલ સ્નેચિંગની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. કાપોદ્રા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જો કે, ચોરીના આ ઘટના પહેલીવાર નથી બની. આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે.
ગૃહમંત્રીના શહેરમાં જ હપ્તાખોરીનું દુષણ
રાજ્યમાં સતત વધી રહેલી હપ્તાખોરીની ઘટનાઓ અંગે ખુદ ભાજપના જ ધારાસભ્યએ સરકાર સામે બાંયો ચઢાવી છે. આજે સવારે સુરતના ઉધનાના ધારાસભ્ય મનુ પટેલ એક મીડિયા પ્રેસ કૉન્ફરન્સ કરીને સુરતમાં ચાલતા હપ્તાખોરીના કિસ્સાઓને લઇને સનસનીખેજ આરોપો લગાવ્યા છે.
ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે આરોપ લગાવતા કહ્યું કે, સુરતમાં હપ્તાખોરીના ધંધા ખુબ વધી ગયા છે, અને આ કારણે લોકો પરેશાન છે. મનુ પટેલે કહ્યું કે સુરતમાં ઉધના વિસ્તારમાં લૂંટ ચલાવતી ટોળકી સક્રિય છે, આ ટોળકી ટેક્સટાઈલ એકમોમાં કારીગરો પાસેથી હપ્તો ઉઘરાવી રહ્યાં છે. આમાં ખાસ કરીને નાની મોટી ગેંગ સક્રિય બની છે, અને કામદારોના પગાર થાય ત્યારે હપ્તા ઉઘરાવવાનું શરૂ કરી દે છે. આવી ગુનેગારોના કારણે કામદારોમાં ભયનો માહોલ છવાયો છે, તેમને રાજ્ય સરકારને અપીલ કરી છે કે, આ ગુંડાગર્દી રોકવા પોલીસ ચોકી બનાવવી જરૂરી છે. ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં જે આવા હપ્તાખોરીના આરોપોથી રાજકીય માહોલ પણ ગરમાયો છે.
ખુદ ભાજપના જ ધારાસભ્યએ હપ્તાખોરીના આરોપ લગાવતા વધુમાં કહ્યું કે, અહીં મારુતિ ઈન્ડસ્ટ્રીયલ પાસે નવી પોલીસ ચોકી બનાવવાની રજૂઆત કરી છે. કેમ કે હપ્તાખોરીની ઘટનાઓથી નાક્ષેણ નગર અને ગદા નગરમાં કામદારો ખુબ પરેશાન છે, દેશી દારૂના અડ્ડાના કારણે મહિલાઓ વિધવા બને છે. અહીં દારૂનો સપ્લાય ખુલ્લેઆમ ચાલે છે. આ વિસ્તારોમાં દારૂ અને જુગારનું દૂષણ બંધ કરાવવા સરકારે પગલા ભરવા જોઇએ. તેમને વધુમાં કહ્યું કે, રાજ્યમાં ગૃહ રાજ્યમંત્રી મજબૂત છે, પગલા ભરે છે. ઉલ્લેખનીય છે કે, હર્ષ સંઘવી રાજ્યના ગૃહમંત્રી છે અને સુરત તેમનું શહેર છે.