સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજવામાં આવી હતી તેમાં આજે પરિણામ બાદ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. સુરતમાં કોંગ્રેસની શરમજનક હાર થઈ છે. આ સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારે હતાશ અને રોષે ભરાયા છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે સુરત કોંગ્રેસ ભાજપના હાથે વેચાઈ ગઈ છે. 120 બેઠકો પર ઉમેદવારોની ટિકિટ વેચી નાંખી હોવાની ફરિયાદો કરી રહ્યા છે.




સુરત શહેર કોંગ્રેસની હાર પાછળ ત્રણ નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે જ કદીર પીરજાદા, તુષાર ચૌધરી અને બાબુ રાયકાની વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે આ અગ્રણી નેતાઓ વિરૂધ્ધ કાર્યકરોએ અપશબ્દો પણ ઉચાર્યા હતાં અને નેતાઓના પૂતળા દહન કરાયું હતું.



સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે.સુરત મનપામાં ભાજપને 93 બેઠક અને આપને 27 બેઠક જીતવામાં સફળતા મળી છે.